રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલી વ્યાજબી ભાવની દુકાનદારોની હડતાળનો અંત આવ્યો છે. દુકાનદારોની મુખ્ય માંગણીઓને લઈને રાજ્ય સરકાર સાથે આજે (4 નવેમ્બર) થયેલી મહત્વપૂર્ણ બેઠક સફળ રહી છે. બેઠક બાદ એસોસિએશનના પ્રતિનિધિઓએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.
પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં દુકાનદારોની અનેક માંગણીઓ પર સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે દુકાનદારોને મળતા કમિશનમાં વધારો કરવાની ખાતરી આપી છે. હાલમાં મળતા 1.50 રૂપિયા પ્રતિ કિલોના કમિશનમાં વધારો કરી હવે 3 રૂપિયા કરવાનો પ્રસ્તાવ આગામી 15 દિવસમાં રજૂ કરાશે.
રાજ્યભરમાં લગભગ 17 હજાર દુકાનદારો છેલ્લા કેટલાક દિવસોથી અચોક્કસ મુદતની હડતાળ પર હતા. તેમણે કમિશન વધારાની સાથે કુલ 20 જેટલી માંગણીઓ રજૂ કરી હતી. હડતાળના કારણે સસ્તા અનાજના વિતરણના કાર્યો પ્રભાવિત થયા હતા. અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સાથે દુકાનદારોની બે અલગ અલગ એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ તે વખતે સહમતિ ન બની હતી.
બેઠક બાદ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે સરકાર તરફથી 97 ટકા વિતરણની શરત સાથે જોડાયેલી 94 ટકાની માગણી પર પણ વિચારણા શરૂ થઈ છે. સાથે જ તકેદારી સમિતિના સભ્યો માટે બાયોમેટ્રિક આધારિત જથ્થા ઉતારવાની વ્યવસ્થામાં આંશિક છૂટછાટ આપવામાં આવશે. હવે બે સભ્યોની સહી સાથે ઓફલાઈન અને ડિજિટલ બંને પ્રક્રિયા ચાલુ રહેશે.
સરકાર તરફથી સહાયક માટેની મંજૂરી આપવાની બાબત પણ સ્વીકારવામાં આવી છે. પ્રહલાદ મોદીએ જણાવ્યું કે સરકારે આપેલા આશ્વાસનને આધારે હવે દુકાનદારો નિયમિત વિતરણ કામગીરી શરૂ કરશે.
બેઠક પછી વ્યાજબી ભાવની દુકાનદારોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો છે અને હડતાળ સમાપ્ત થતા રાજ્યમાં સસ્તા અનાજના વિતરણનું કાર્ય ફરીથી ગતિ પકડશે.






