Ahmedabad News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (15 મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત) માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા આજે પૂર્ણ થઈ છે, ત્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ પર સરકારી તંત્રના દુરુપયોગ અને ગુંડાગીરીનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ભાજપ સામે પ્રજાનો આક્રોશ, સત્તાના જોરે હિંસાનો માર્ગ
ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ સરકાર 'ભયમુક્ત ચૂંટણી'ના દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ સરકારી તંત્રના જોરે હિંસા આચરી રહ્યું છે. તેમણે કહ્યું કે, "ભાજપ જ્યાં પણ જાય છે ત્યાં તેમને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં ભાજપને જાકારો મળી રહ્યો છે, જેનાથી ડરીને ભાજપ હવે દમનકારી નીતિ અપનાવી રહ્યું છે."
આ પણ વાંચો: વડોદરાના ગોત્રીના ‘ઇસ્કોન એટ્રિયા’માં ભીષણ આગથી અફરાતફરી : 10થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર મેળવ્યો કાબૂ
હોમ ગાર્ડ અને પોલીસનો રાજકીય ઉપયોગ
કોંગ્રેસ પ્રવક્તાએ હોમ ગાર્ડના ઉપયોગ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. નિયમ મુજબ હોમ ગાર્ડ કોઈ પણ રાજકીય પક્ષના કામ કરી શકતા નથી, છતાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં હોમ ગાર્ડ કમાન્ડન્ટ ભાજપ અને RSS સાથે જોડાયેલા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
તેમણે દાખલો આપતા જણાવ્યું કે, "રાહુલ કોળીને જિલ્લા કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ બનાવાયા છે, જેઓ પોતે સરદારનગર વોર્ડમાં ભાજપના ઉપ-પ્રમુખ તરીકે જોડાયેલા છે." કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે, આવા પક્ષપાતી કમાન્ડન્ટોને તાત્કાલિક ફરજમુક્ત કરવામાં આવે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બની શકે.
ઉમેદવારોને ધાક-ધમકી અને કોંગ્રેસની લડત
ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે, "ગુજરાતમાં SOG અને LCB જેવી પોલીસ એજન્સીઓનો દુરુપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું છે. ભાજપે પોલીસ અને અસામાજિક તત્વોને છૂટો દોર આપી દીધો છે. કોંગ્રેસ ભવનમાં પણ સાદા વેશમાં પોલીસ આવીને ઉમેદવારોની યાદી માંગતી હતી, જે લોકશાહી માટે શરમજનક છે."
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભાજપની આ ગુંડાગીરી સામે કોંગ્રેસના કાર્યકરો અડીખમ લડી રહ્યા છે. ભલે અમુક જગ્યાએ દબાણવશ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોય, પરંતુ કોંગ્રેસ આ સમગ્ર ઘટનાક્રમ સામે રાજ્ય ચૂંટણી પંચમાં રજૂઆત કરશે અને જરૂર પડ્યે કાયદાકીય લડત પણ લડશે.





