Gujarat Local Body Election 2026: ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન લોકશાહીના પર્વમાં અનેક સ્થળે વિઘ્નો અને ગેરરીતિઓ સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી મળેલી ફરિયાદોના આધારે રાજ્ય ચૂંટણી આયોગ અને જવાબદાર વહીવટી અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે કુલ ૨૭ જેટલા મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મંત્રીઓ અને ધારાસભ્યો સામે આચારસંહિતા ભંગના આક્ષેપ
કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સૌથી ગંભીર આક્ષેપ રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા સામે કરવામાં આવ્યો છે. તેમના પર પ્રચાર દરમિયાન ધમકીભર્યા નિવેદનો આપવાનો આરોપ લગાવી કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપને મત આપવાની અપીલ કરવા બાબતે પણ પંચમાં ફરિયાદ નોંધાવાઈ છે. નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈ સામે પણ ગેરવર્તણૂકના આક્ષેપો થયા છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચની અવ્યવસ્થા અને 'ડિજિટલ' છબરડા : હજારો મતદારો મતાધિકારથી વંચિત, લોકશાહીના પર્વમાં સર્જાઈ અરાજકતા
મતદાનમાં અવરોધ અને EVM ની ફરિયાદો
અનેક મતદાન મથકો પર ટેકનિકલ ખામીઓ અને વહીવટી ગેરરીતિઓની બૂમો ઉઠી છે. અમદાવાદના પાલડી (બુથ નં. ૨૧, ૨૮, ૨૯) અને વાસણાની જી.બી. શાહ કોલેજના બુથ પર કોંગ્રેસના 'પંજા'ના નિશાનનું બટન ન દબાતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. ખોખરા-મહેમદાવાદ અને બોડકદેવમાં અચાનક મતદાન મથકો બદલી નાખતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. ચાંદખેડામાં મતદાર યાદીમાં ખોટી રીતે 'ડિલીટ' ના સિક્કા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
હિંસા અને અસામાજિક તત્વોનો આતંક
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હિંસાની ઘટનાઓ પણ નોંધાઈ છે..જેમાં કરમસદ-આણંદના વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસના ઉમેદવાર પર ખૂની હુમલો કરવામાં આવ્યો છે. સુરત (વોર્ડ નં. ૧૯) અને કલોલમાં કોંગ્રેસના નેતાઓ અને એજન્ટોની ગેરકાયદે અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. મક્તમપુરા અને માળીયા મિયાણાના મેઘપર ગામમાં બુથ કેપચરિંગની આશંકા અને અસામાજિક તત્વોના જમાવડા અંગે પંચને જાણ કરવામાં આવી છે.
દારૂની વહેંચણી અને બોગસ મતદાન
વાઘોડિયા તાલુકાના વ્યારા ગામમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર દારૂની વહેંચણી થતી હોવાની ફરિયાદ કોંગ્રેસે કરી છે. આ સાથે જ ખોખરા અને આણંદના વાસદમાં બોગસ મતદાન અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસનું નિવેદન
"સત્તાધારી પક્ષ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યો છે અને વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આ ૨૭ ફરિયાદો પર તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને લોકશાહીનું ગળું ટૂંપાતું અટકાવવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય ચૂંટણી આયોગ આ ગંભીર ફરિયાદો પર કેવા અને કેટલા ઝડપી પગલાં લે છે.





