Home Gujarat Ahmedabad Gujarat Election Booth Confusion Voters Issue

ચૂંટણી પંચની અવ્યવસ્થા અને 'ડિજિટલ' છબરડા : હજારો મતદારો મતાધિકારથી વંચિત, લોકશાહીના પર્વમાં સર્જાઈ અરાજકતા

Gujarat Local Body Election 2026
Published by: Viral Patel
Last Updated: Apr 26, 2026, 02:19 PM IST

Gujarat Local Body Election 2026: રાજ્યમાં યોજાયેલી ચૂંટણીઓમાં એકતરફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 'વધુમાં વધુ મતદાન' કરવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ આયોગની જ ગંભીર બેદરકારી અને આયોજનના અભાવે હજારો મતદારોએ ભારે હાલાકી ભોગવવી પડી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ઓનલાઈન ડેટામાં વિસંગતતા અને મતદાન મથકોના અચાનક ફેરફારને કારણે અનેક નાગરિકો મતાધિકારથી વંચિત રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

વેબસાઈટ થઈ ઠપ્પ: મતદારો ઓનલાઈન વિગતો માટે વલખાં મારતા રહ્યા

અમદાવાદ મહાનગરપાલિકા સહિતના વિવિધ વોર્ડના મતદારો જ્યારે પોતાનું મતદાન મથક શોધવા માટે રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પર ગયા, ત્યારે તેમને નિરાશા સાપડી હતી. વેબસાઈટ અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી અથવા સર્વર ડાઉન હોવાને કારણે હજારો લોકો પોતાની વિગતો જોઈ શક્યા ન હતા. આધુનિક ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પંચની આવી નબળી ડિજિટલ કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બાદ અમિત ચાવડાનો આભાર સંદેશ : ‘લોકશાહી માટે જનતા જ શક્તિ, કોંગ્રેસ કાર્યકરો અડીખમ યોદ્ધા’

રાતોરાત બદલાયા બૂથ: ધોમધગતા તાપમાં મતદારો હેરાન

સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, આયોગની વેબસાઈટ પર અગાઉ જે મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા, તેમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરી દેવામાં આવ્યા હતા. રાતોરાત બદલાયેલા કેન્દ્રોને કારણે મતદારો એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા જોવા મળ્યા હતા. 40 ડિગ્રીથી વધુના ધોમધગતા તાપમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક સેન્ટરથી બીજા સેન્ટરના ધક્કા ખાવા પડ્યા હતા. ઘણા કિસ્સાઓમાં મતદાન કેન્દ્રો રહેણાંક વિસ્તારથી ઘણા દૂર ફાળવવામાં આવ્યા હોવાથી મધ્યમ અને શ્રમિક વર્ગના મતદારો મતદાન કરવા જઈ શક્યા ન હતા. ચૂંટણી પંચે આપેલી લિંક પર મતદારની વિગત તો મળે છે, પણ કયા કેન્દ્ર પર જવાનું તેની માહિતી ગાયબ છે. આ અધૂરી વિગતો લોકશાહીની પ્રક્રિયાને નબળી પાડે છે."

ગુજરાત કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા અને તપાસની માંગ

આ સમગ્ર અરાજકતા અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "રાજ્ય ચૂંટણી આયોગની અપૂરતી માહિતી અને કુશાસનને કારણે હજારો મતદારો પોતાના પવિત્ર અધિકારથી વંચિત રહ્યા છે. આ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ મતદારોને વંચિત રાખવાનું એક સુનિયોજિત કાવતરું હોય તેવું જણાય છે."

આ પણ વાંચો: વડોદરાનાં વોર્ડ નં. 14માં ઘર્ષણ : વિરોધ પક્ષે અશોભનીય વર્તન કર્યાનો કોંગ્રસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવનો આરોપ

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ

1. છેલ્લી ઘડીએ બૂથ બદલવા માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

2. વેબસાઈટ અને ઓનલાઈન લિંકમાં રહેલી ખામીઓની ન્યાયિક તપાસ થાય.

3. ભવિષ્યમાં આવી અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટેકનિકલ માળખું મજબૂત કરવામાં આવે.

જ્યારે ચૂંટણી પંચ કરોડો રૂપિયાના ખર્ચે જાગૃતિ અભિયાન ચલાવતું હોય, ત્યારે પાયાની સુવિધાઓ અને સચોટ માહિતીના અભાવે જો મતદાર મતદાન મથક સુધી ન પહોંચી શકે, તો તે વહીવટીતંત્રની મોટી નિષ્ફળતા ગણાય. આ કિસ્સામાં જવાબદારી નક્કી કરવી અનિવાર્ય બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now