Ahmedabad News: આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવા તરીકે કહેવું પડે છે કે ગુજરાતના ગૃહમંત્રીનું રાજીનામું માંગવા માટે આવ્યો છું. કારણ કે ગાંધીજી અને સરદારનું ગુજરાત છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે, નશાબંધી છે, છતાં પણ ગુજરાત વિધાનસભામાં આંકડો આવે છે કે 14 લાખ કરતા પણ વધારે ગુજરાતીઓ નશીલા પદાર્થોના બંધાણી બન્યા છે. તેમાં 12 લાખથી વધારે પુરુષો છે અને બે લાખથી વધારે મહિલાઓ પણ છે.
અમદાવાદમાં જે ખાનગી અને સરકારી રિહેબ સેન્ટરો છે તેમાં સંખ્યાઓ ખૂબ વધી રહી છે, મહિને 600-700 લોકો લાઇનમાં ઊભા હોય છે. આ તો માત્ર અમદાવાદના આંકડાઓ છે, જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર જેવી જગ્યાઓમાં પણ રિહેબ સેન્ટરોમાં સંખ્યાઓ ખૂબ વધી રહી છે. ગુજરાતના યુવાનો દિવસેને દિવસે ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે. વિધાનસભાના આંકડાઓ મુજબ બે વર્ષમાં ગુજરાતમાં 3,162 કિલો ડ્રગ્સ પકડાયું છે અને એક વર્ષમાં 260 કરોડનો દેશી અને વિદેશી દારૂ પકડાયો છે. આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ? મુન્દ્રા પોર્ટ, હજીરા પોર્ટ, પોરબંદર, પિપાવાવ જેવા સ્થળો એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યા છે અને ગુજરાત આખા દેશના ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે.
’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં જણાવ્યું હતુ કે મને એવું લાગે છે કે હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓને ખુલ્લો દોર આપી દીધો છે કે ગુજરાતમાં આવો અને ડ્રગ્સનો વેપાર કરો અને ગુજરાતના યુવાનોને બરબાદ કરો. હર્ષ સંઘવી સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. ગુજરાતના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તેના માટે જવાબદાર માત્ર હર્ષ સંઘવી છે. ડ્રગ્સ પકડાય છે, પરંતુ કોણ લાવે છે અને ક્યાં વેચાય છે તે ક્યારેય પકડાતા નથી, કોઈના નામ બહાર આવતા નથી.
એવું લાગે છે કે તેમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓ પણ સંડોવાયેલા છે. હું ગુજરાતની જનતાને પૂછવા માંગું છું કે આપણે કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ, જ્યાં એક બાજુ યુવાનો નોકરી માંગે છે ત્યારે નોકરી આપી શકાતી નથી, પોલીસ દ્વારા માર મારવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ડ્રગ્સનો વેપાર વધે છે. આપણે સજાગ થવું પડશે, આપણી આત્માને જગાડવી પડશે. ડ્રગ્સ અને દારૂ બંધ થઈ શકે છે, પરંતુ ઇચ્છા હોવા છતાં બંધ કરવામાં નથી આવતું કારણ કે ગુજરાતમાં એક વર્ષમાં એક લાખ કરોડથી પણ વધારે ડ્રગ્સ અને દારૂનો વેપાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ પૈસા કમાઈ રહ્યા છે.
હિંમતનગર અકસ્માત પછી વધુ એક દુઃખદ ઘટના : પુત્રવધુના મોતનો આઘાત સહન ન કરી શકતા સાસુનું પણ નિધન
તેથી હું સૌને વિનંતી કરું છું કે જાગો અને તમારી આત્માને જગાડો. ક્યાં સુધી આ ગુલામી સહન કરીશું ? હું ગુજરાતના ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રીને પણ કહેવા માંગું છું કે જો થોડી પણ શરમ બચી હોય તો તાત્કાલિક રાજીનામું આપો અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળો. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગાંધીજીના માર્ગ પર અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગ પર આંદોલન કરવા માટે તૈયાર છે.





