Home Gujarat Gujarat Dahod Jhalod Manchhan River Pujari Dead

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર : માછણ નદી કિનારે ઝાડીઓમાંથી લાશ મળી

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 04:34 AM IST

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પૂજારીની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માંડલી ખુંટા ગામ પાસે માછણ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાંથી એક પૂજારીની લાશ મળતા સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. ઘટના અંગે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

મૃતકની ઓળખ ઝાલોદના ચમાર ફળિયામાં રહેતા અને ડુંગરા ગામ સ્થિત રામદેવજી મંદિરના પૂજારી તરીકે સેવા આપતા 51 વર્ષીય નગીનભાઈ વીરાભાઈ ભુનાતર તરીકે થઈ છે. તેઓ નિયમિત રીતે મંદિરમાં પૂજા-અર્ચના કરતા હતા. મળતી માહિતી મુજબ, માંડલી ખુંટા ગામ નજીક ખેતરમાં કામ કરતા કેટલાક લોકોને નદીકાંઠે ઝાડીઓમાં માનવદેહ જોવા મળ્યો હતો. નજીક જઈ તપાસ કરતા તે લાશ હોવાનું જણાયું. ત્યારબાદ સ્થાનિકોએ તરત જ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.

પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની માહિતી ઝાલોદ પોલીસને આપવામાં આવી. માહિતી મળતા જ ઝાલોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઝાલોદ ડિવિઝનના DySP બી. આર. પટેલ, PI રવિ ગામિત તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ દાહોદ જિલ્લા SOG અને LCB ની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી છે.

પોલીસ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પૂજારીના શરીરે ઇજાના નિશાન મળ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ પરથી સામાન્ય રીતે પહેરાતા સોના-ચાંદીના આભૂષણ પણ ગાયબ હોવાનું નોંધાયું છે, જેના આધારે લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃતકની માતા 71 વર્ષીય વરદીબેન વીરાભાઈ ભુનાતરે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અજાણ્યા વ્યક્તિએ તેમના પુત્રના માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ મૃતદેહને માંડલી ખુંટા ગામે માછણ નદી કિનારે ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે ગુનો નોંધી ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now