અમદાવાદના પાલડીમાં રહેતા સિનિયર સીટીઝન ને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 8 કરોડ ઉપરાંત ની ઠગાઇ કરનાર ગેંગના ત્રણ સાગરિતોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
ફોન કરીને EDના કર્મચારીની ઓળખ આપી
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા સિનીયર સીટીઝનના મોબાઇલ ઉપર તા.28 /07 /2025 થી તા.12/08/2025 સુધી અજાણ્યા માણસોએ Crime Branch Mumbai ના નામે વોટસએપ કોલ કર્યો અને "લો એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ મુંબઇ (ED)" ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી કહ્યું કે “અમે નરેશ ગોયલ જેટ એરવેઝ સ્ક્રેમ મની લોન્ડરીંગ કેસની તપાસ કરી રહેલ છે. જે કેસની તપાસ દરમ્યાન કેનેરા બેંક, મુંબઇના ખાતામાં રૂ.5,00,000/- જમા થયેલ છે. આ ક્રાઇમ સાથે તમે જોડાયેલ છો. આ કેસની તપાસમાં સહકાર નહી આપો તો કોર્ટમાંથી 40 દિવસના કસ્ટડી રીમાન્ડ મંજુર કરાવી તમારી ધરપકડ કરીશુ. તમારે કોઇને આ વાત કરવાની નથી. આ એક કોન્ફીડેનશીયલ મેટર છે. જો તમે કોઇને વાત કરશો તો આ દેશ વિરૂધ્ધનો ગુનો કહેવાશે. તમે તપાસમાં સહકાર આપશો તો તમારે દિલ્હી આવવુ નહી પડે તે સારૂ તમને જરૂર જણાય ત્યારે વિડીયો કોલ મારફતે કોર્ટમાં હાજર રખાવીશું.”
સિનિયર સીટીઝનને કેનેરા બેંકનુ તેમનું બનાવટી ડેબીટ કાર્ડ બતાવી “GOVERNMENTAL AFFAIR, MINISTRY OF FINANCE- DEPT. OF RE VENUE, SUPREME COURT OF INDIA, 'Hon'ble Justice Bhushan Ramkrishna Gavai, The Chief Justice of India.' ના બનાવટી લેટરોના ફોટા મોકલી કોર્ટમાં કેસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
ઠગાઇ નો ભોગ બનેલ સિનિયર સીટીઝનના ડીમેટ એકાઉન્ટમાં રહેલ શેરની માહિતી મેળવી તે શેરનુ વેચાણ કરાવી તે નાંણા તેઓના નૂતન નાગરીક સહકારી બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી. તેમાંથી Fund Legalization ની તપાસના નામે તા.01/08/2025 થી તા.12/08/2025 સુધીમાં આર.ટી.જી.એસ. મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 07 ટ્રાન્જેકશન કરાવી કુલ રૂ.8,05,50000/- (આઠ કરોડ પાંચ લાખ પચાસ હજાર) પડાવી લીધા હતા.
વારંવારના બ્લેકમેલીગથી કંટાળી સિનિયર સીટીઝન દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સમગ્ર મામલા ને ગંભીરતા લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. બેંકેકાઉન્ટ તથા અન્ય ટેકનિકલ એનાલિસિસ ના આધારે પગેરું મુંબઈ સુધી પહોંચ્યું હતું.. અમદાવાદ થી બે આરોપીઓની ધરપકડ બાદ પગેરું મુંબઈ પહોંચ્યું હતું.
અમદાવાદ ના 35 વર્ષીય આસીફશાહ ઉર્ફે ભદો અકબરશાહ પઠાણની, પપ્પુસિંઘ ઉર્ફે પપ્પુરામ ભાણારામજી પરીહારની અને 34 વર્ષીય વિકાસકુમાર ઉર્ફે મુરારી સંતોષકુમાર સિંગને મુંબઇ વઇસ (ઇસ્ટ) ખાતેથી ધરપકડ કરવામાં આવેલ.
આરોપીઓની પુછપરછ દરમ્યાન શું જાણવા મળ્યું હતું.
નાણા ટ્રાન્જેકશન માટે બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા ભાડે આપવાનુ કામ કરતા આસીફશાહ અકબરશાહ પઠાણ સાથે ગેમીંગના નાંણાનુ ટ્રાન્જેક્શન કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવવાનું કામ કરતા વિકાસકુમારને ફોન ઉપર પાંચેક મહિના અગાઉ સંપર્ક થયો હતો. આરોપી વિકાસકુમારે કરોડ રૂપીયા ઉપરની લીમીટ વાળુ બેંક એકાઉન્ટ આવે તો જાણ કરવા આસીફશાહને જણાવ્યું હતું.
તા. 24/07/2025 ના રોજ આસીફ શાહે યસ બેન્ક, નારણપુરા બ્રાન્ચના બાલાજી ખીરુ એન્ડ ફાસ્ટ ફુડ નામના કરંટ એકાઉન્ટ, જે પપ્પુસિંગ ભાણારામજી પરીહારનુ હતુ. જે બેંક એકાઉન્ટની ચેકબુક, ડેબીટ કાર્ડ, આધાર કાર્ડ તથા પાનકાર્ડનો ફોટો તથા લોગઇનની વિગત વિકાસકુમારને વોટ્સએપથી મોકલી આપી હતી.
વિકાસકુમાર ટેલીગ્રામ આઇ.ડી. @alexmontiraj ઉપર મોન્ટી નામની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. આ એલેક્ષ મોન્ટી પોતે ઝારખંડનો રહેવાસી અને કસીનો ગેમીંગના નાંણાનુ ટ્રાન્જેકશન કરતો હોતો. તેને કરોડ રૂપીયા ઉપરની લીમીટના બેંક એકાઉન્ટ હોય તો તેને ઓપરેટ કરવા માટે ટ્રાન્જેકશનના 2% કમિશન આપવાની વાત કરેલ હતી. જેથી એલેક્ષ મોન્ટીના ઉપર આસીફશાહે આપેલ બાલાજી ખીરુ એન્ડ ફાસ્ટ ફુડના કરંટ એકાઉન્ટની વિગત વોટ્સએપથી મોકલી આપી હતી.
તા.01/08/2025 ના રોજ એલેક્ષે મોન્ટીએ વિકાસકુમારે વોટસએપ ઉપર અમ્મા પે નામની એપીકે લીંક મોકલી આપી બેંક ખાતા ધારક પપ્પુસિંગ પરીહારના મોબાઇલમાં ખોલાવાનુ જણાવેલ. જેથી એપીકે લીંક પપ્પુસિંગને ફોરવર્ડ કરતા પપુસિંગે તેના મોબાઇલ ફોનમાં એપીકે લીંક ઓપન કરેલ. જેથી પપ્પુસિંગના મોબાઇલમાં આવતા તમામ મેસેજ તથા ઓટીપી ફોરવર્ડ થઇ ગયેલ અને પપ્પુસિંગના બેંક એકાઉન્ટમાં રૂ.80,00,000 ક્રેડીટ થયા બાદ તુરત જ અલગ-અલગ રકમ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તેઓની સાથે અન્ય કોણ કોણ આરોપીઓ સંકળાયેલ છે અને આ પ્રકારે કેટલા લોકો સાથે ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઇ કરી છે તે મામલે વધુ તપાસ જારી રાખી છે.






