Home Gujarat Gujarat Boys And Girls Create History In National Handball Tournament

નેશનલ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતના બોયઝ અને ગર્લ્સએ રચ્યો ઇતિહાસ! : સોમનાથની પાવન ધરા પર ગુજરાતની બંને ટીમો બની નેશનલ ચેમ્પિયન!

નેશનલ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતના બોયઝ અને ગર્લ્સએ રચ્યો ઇતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2026, 11:17 AM IST

National Handball : સોમનાથની પાવન ભૂમિ પર રમાયેલી 69 મી રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ મેદાન મારી લીધું છે. 'સદભાવના મેદાન' ખાતે યોજાયેલા આ રસાકસીભર્યા જંગમાં ગુજરાતની અંડર-19 બોયઝ અને અંડર-17 ગર્લ્સ એમ બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરી રાષ્ટ્રીય ખિતાબ પોતાના નામે કર્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં ગુજરાતે રમતગમત ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે.

બોયઝ ટીમે રાજસ્થાનને હરાવ્યું

અંડર-19 ભાઈઓની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. ગુજરાતની ટીમે શરૂઆતથી જ આક્રમક એટેક અને મજબૂત ડિફેન્સ જાળવી રાખી રાજસ્થાનની ટીમને દબાણમાં લાવી દીધી હતી. ઝડપી પાસિંગ અને સચોટ શોટ્સની મદદથી ગુજરાતે રાજસ્થાનને 31–24 થી હરાવીને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી લીધી હતી. આ સ્પર્ધામાં રાજસ્થાન બીજા ક્રમે અને દિલ્હી ત્રીજા ક્રમે રહ્યું હતું.

ગર્લ્સ ટીમનો પણ શાનદાર વિજય

માત્ર ભાઈઓ જ નહીં, પણ ગુજરાતની દીકરીઓએ પણ ઇતિહાસ રચ્યો છે. અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતની ટીમે ફાઇનલમાં મજબૂત ગણાતી પંજાબની ટીમને 21–09 ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો. જીત બાદ ખેલાડીઓએ મેદાન પર ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે અન્ય રાજ્યોના ખેલાડીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

મિની ઇન્ડિયા જેવો માહોલ

19 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 31 રાજ્યોની ટીમો અને 600 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સોમનાથમાં પ્રથમ વખત આટલી મોટી રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં રમતગમતનો અનોખો માહોલ સર્જાયો હતો.

વિજેતાઓને ઇનામ અને સન્માન

મેડલ સેરેમનીમાં વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા વિજેતા ગુજરાતની ટીમને રૂ. 10,000 અને રનર્સઅપ રાજસ્થાન તથા દિલ્હીની ટીમને રૂ. 5,000 નું પ્રોત્સાહક રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોચ અને કેપ્ટનનો પ્રતિસાદ

SAG ના કોચ કૌશિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં પ્રથમ વખત આ રીતે હેન્ડબોલનું આયોજન થયું અને બંને ટીમોએ સાથે ટાઈટલ જીત્યા તે ગર્વની વાત છે. તો ગુજરાત ટીમના કપ્તાન ધ્રુવ જાધવે પોતાની જીતનો શ્રેય કોચ અને ટ્રેનર્સની સખત મહેનતને આપ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now