ગાંધીનગર: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની મહત્વની ગણાતી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET-2026) ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 29 માર્ચ 2026 ના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વગર અને સુવિધાજનક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા એક વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ વર્ષે રાજ્યભરમાંથી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે, જેના માટે બોર્ડ દ્વારા 668 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યને વહીવટી સરળતા માટે 36 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા માટે સજ્જ થયા છે, ત્યારે તંત્ર દ્વારા પણ સુરક્ષા અને સુવિધાના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
CCTV ની કડક દેખરેખ અને ઝોનલ વ્યવસ્થા
પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવશે. પરીક્ષાની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે મધ્યસ્થ સ્થળો પર ઝોનલ કચેરીઓની રચના કરવામાં આવી છે. પ્રશ્નપત્રો અને OMR શીટની સુરક્ષા માટે ખાસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની દેખરેખ અનુભવી વર્ગ-2 ના અધિકારીઓ કરશે.
આ પણ વાંચો: સામાન્ય જનતા માટે મોટા સમાચાર! : નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે બદલાશે આ 5 મહત્વના નિયમો
ગરમીને જોતા વિશેષ સુવિધાઓ: હેલ્પલાઈન અને કંટ્રોલ રૂમ
માર્ચ મહિનામાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર પીવાના ઠંડા પાણીની પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દરેક કેન્દ્ર પર આરોગ્ય ટીમોને તૈનાત રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે:
જિલ્લા કંટ્રોલ રૂમ: 27 થી 29 માર્ચ સુધી કાર્યરત રહેશે.
રાજ્ય કંટ્રોલ રૂમ: 28 માર્ચથી શરૂ થશે.
સમય: સવારે 7:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી માર્ગદર્શન મેળવી શકાશે.
અમદાવાદમાં 59 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન
અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં કુલ 59 બિલ્ડિંગોમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. પરીક્ષાના સંચાલનમાં કોઈ ખામી ન રહી જાય તે માટે તમામ કેન્દ્ર સંચાલકોને અગાઉથી જ જરૂરી તાલીમ આપી દેવામાં આવી છે. ઝોનલ અધિકારીઓને પ્રશ્નપત્રોના વિતરણથી લઈને OMR શીટના કલેક્શન સુધીની તમામ પ્રક્રિયામાં પ્રોટોકોલ જાળવવા તાકીદ કરવામાં આવી છે.





