Rajya Sabha seats in Gujarat: ગુજરાતમાંથી રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચારેય ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. હંમેશની જેમ આ વખતે પણ ભાજપે ઉમેદવારોની પસંદગીમાં મોટો 'સરપ્રાઈઝ ફેક્ટર' આપ્યો છે. ભાજપે આ વખતે કોઈ પૂર્વ મંત્રી, ધારાસભ્ય કે મોટા ગજાના સેલિબ્રિટી નેતાને બદલે પક્ષના પાયાના અને સંગઠન આધારિત ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ભાજપે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કનજારિયા ને રાજ્યસભાના સંગ્રામમાં ઉતાર્યા છે. આ ચારેય નામો બિલકુલ નવા છે અને તેમની પસંદગી પાછળ ભાજપે ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોનું ખૂબ જ મોટું રાજકીય ગણિત માંડ્યું છે. ગુજરાતના અલગ-અલગ ઝોન જેવા કે ઉત્તર-મધ્ય ગુજરાત, આદિવાસી પૂર્વ પટ્ટી અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રને આ યાદીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
ચારેય ઉમેદવારોનો ભૌગોલિક અને રાજકીય પ્રોફાઇલ
1. રાજુભાઈ શુક્લા (કલોલ પંથક / ગાંધીનગર-મધ્ય ગુજરાત)
અગાઉ વડોદરા અને મધ્ય ગુજરાતના રાજકીય સમીકરણોમાં સક્રિય રહેલા રાજુભાઈ શુક્લા મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ પંથક સાથે મજબૂત રીતે જોડાયેલા છે. કલોલ અને તેની આસપાસના ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેઓ પક્ષના એક વફાદાર અને મજબૂત બ્રાહ્મણ ચહેરા તરીકે જાણીતા છે. સંગઠનમાં લાંબા સમયથી પડદા પાછળ રહીને કામ કરનારા આ નેતાને સીધી ટિકિટ આપીને ભાજપે ઉત્તર ગુજરાતના જ્ઞાતિ સમીકરણોને સાધવાનો પ્રયાસ કર્યો છે.
રાજેશ શુક્લા 'રાજુ શુક્લા' (કડી નગરપાલિકાથી રાજ્યસભા સુધી)
મહેસાણાના કડીના રાજેશભાઈ શુક્લા (રાજુ શુક્લા) ને ટિકિટ આપીને ભાજપે ઉત્તર-મધ્ય ગુજરાતના બ્રાહ્મણ ચહેરાને મોટું પ્રતિનિધિત્વ આપ્યું છે. તેમની ઉમેદવારીથી સમગ્ર ઉત્તર ગુજરાતના કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ છે. રાજુભાઈની રાજકીય અને સામાજિક સફરનો પાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં નંખાયો હતો. તેઓ પ્રચાર-પ્રસાર વિના, શિસ્ત અને સમર્પણ સાથે કામ કરનારા પાયાના સનિષ્ઠ કાર્યકર છે. તેઓ કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને સ્થાનિક સ્તરે જનતાની નાડ પારખવામાં પાવરધા છે. ગુજરાત ભાજપના મુખ્ય મથક 'શ્રી કમલમ' (ગાંધીનગર) ખાતે વિવિધ મહત્વની સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળવા ઉપરાંત, તેઓ વિવિધ જિલ્લાઓમાં 'પ્રભારી' તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે જૂથબંધી દૂર કરી સંગઠનને મજબૂત બનાવવામાં મોટો રોલ ભજવ્યો હતો.
2. મુકેશ રાઠવા (છોટાઉદેપુર અને પૂર્વ પટ્ટી)
મુકેશ રાઠવા મધ્ય અને દક્ષિણ ગુજરાતની સરહદે આવેલા આદિવાસી બેલ્ટ (પૂર્વ પટ્ટી) અને છોટાઉદેપુર જિલ્લાના ખૂબ જ સક્રિય નેતા છે. અગાઉ કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા આદિવાસી વિસ્તારોમાં ભાજપનો પગપેસારો કરાવવામાં મુકેશ રાઠવાની વ્યુહરચના ખૂબ મહત્વની રહી છે. તેમણે આદિવાસી વિસ્તારોમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા દાયકાઓ સુધી પાયાનું કામ કર્યું છે. પક્ષે એક નિષ્ઠાવાન આદિવાસી કાર્યકરને આ સર્વોચ્ચ સ્થાન આપીને સમગ્ર આદિવાસી સમાજને મોટો સંદેશ આપ્યો છે.
ડૉ. મુકેશ રાઠવા (રાજકારણમાં 'સૌથી ભણેલો' આદિવાસી ચહેરો)
આ યાદીમાં સૌથી આકર્ષક, યુવા અને ચર્ચાસ્પદ નામ છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી ડૉ. મુકેશભાઈ જામસીંગભાઈ રાઠવાનું છે. માત્ર ૩૯ વર્ષની નાની ઉંમરે દેશના સર્વોચ્ચ ગૃહમાં સ્થાન મેળવી તેઓ આદિવાસી પૂર્વ પટ્ટીમાં મોટો રાજકીય સંદેશ આપી રહ્યા છે. ડૉ. મુકેશ રાઠવાની શૈક્ષણિક પ્રોફાઈલ કોઈપણને પ્રભાવિત કરે તેવી છે. શિક્ષણશાસ્ત્રમાં Ph.D. (Education) ની પદવી. M.A., M.Ed. અને LL.B. (Sem-4) સુધીનો અભ્યાસ. ડિજિટલ યુગમાં આઈટીઆઈ (COPA) નું ટેકનિકલ જ્ઞાન.
ડૉ. મુકેશ રાઠવા RSSથી ભાજપ સુધીની સફર
એક સામાન્ય સરકારી કર્મચારી (GMDC) ના પુત્ર એવા મુકેશભાઈ સંઘ પ્રશિક્ષણમાં સર્વોચ્ચ ગણાતા "તૃતીય વર્ષ શિક્ષિત" કાર્યકર્તા છે.
૨૦૦૧ થી ૨૦૦૪: કચ્છના વર્મનગર ખાતે મુખ્ય શિક્ષક અને મંડળ પ્રવાસી તરીકે સંઘનું કામ કર્યું.
૨૦૦4 થી ૨૦૦૯: સુરત સંઘ કાર્યાલય અને વલસાડ નગર/તાલુકા વિસ્તારક તરીકે સક્રિય રહ્યા.
રાજકીય કારકિર્દી: વર્ષ ૨૦૧૨માં પાવી-જેતપુર વિધાનસભા ચૂંટણીના પ્રચારથી ભાજપમાં સક્રિય થયા. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચાના સતત બે ટર્મ પ્રમુખ રહ્યા. ૨૦૨૧ થી ૨૦૨5 દરમિયાન ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સુરત અને વડોદરા મહાનગરના પ્રભારી તરીકે સંગઠન મજબૂત કર્યું. હાલ તેઓ છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં મહામંત્રી છે.
3. માનસિંહ પરમાર (ગીર સોમનાથ / પ્રદેશ બક્ષીપંચ મોરચો)
તેઓ ગીર સોમનાથ જિલ્લાના વરિષ્ઠ અગ્રણી છે અને હાલમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓબીસી (OBC) સમુદાયો વચ્ચે તેમનો બહોળો પ્રભાવ છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતના ઓબીસી મતદારોને ભાજપ તરફ આકર્ષવામાં તેમનો મોટો રોલ રહ્યો છે. પક્ષ માટે રાત-દિવસ જોયા વિના કામ કરવાના ઈનામ સ્વરૂપે તેમને સંસદના ઉચ્ચ ગૃહ (રાજ્યસભા)માં મોકલવાનો નિર્ણય લેવાયો છે.
માનસિંગ પરમાર (બક્ષીપંચ મોરચાનો મજબૂત ચહેરો)
માનસિંગ પરમાર એ ગુજરાત ભાજપનો એક જાણીતો અને પાયાનો ચહેરો છે. તેઓ સંગઠન સ્તરે લાંબો અનુભવ ધરાવે છે. તેઓ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષે તેમને સોમનાથ બેઠક પરથી ટિકિટ આપી હતી, જોકે આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. હાર છતાં પક્ષે તેમના પર ભરોસો અકબંધ રાખ્યો છે. તેઓ જગદીશ વિશ્વકર્માની ટીમમાં સ્થાન પામ્યા છે અને હાલમાં ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સક્રિયપણે જવાબદારી સંભાળી રહ્યા છે.
4. જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારીયા (દેવભૂમિ દ્વારકા - જામનગર / સૌરાષ્ટ્ર)
તેઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા (ખંભાળિયા પંથક)ના પાયાના અને અત્યંત વફાદાર કાર્યકર તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રના આ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જીતેન્દ્રભાઈ વર્ષોથી કોઈ પણ જાતના દેખાડા કે પ્રચાર વિના સંગઠનનું કામ સંભાળી રહ્યા છે. પક્ષના સામાન્ય સ્તરના કાર્યકરને પણ દેશની સંસદ સુધી પહોંચાડી શકાય છે, તે સાબિત કરતું આ ભાજપનું પરંપરાગત "સરપ્રાઈઝ સિલેક્શન" છે.
રવિવારે ધારાસભ્યોની બેઠક, સોમવારે ફોર્મ ભરાશે
રાજ્યસભાની આ ચૂંટણીને લઈને ગાંધીનગરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના આ ચારેય ઉમેદવારો આગામી સોમવારે પોતાના ઉમેદવારી પત્રો (ફોર્મ) નોંધાવશે. સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી પક્ષ દ્વારા વિશેષ વ્યુહરચના ઘડવામાં આવી છે. ભાજપના તમામ ધારાસભ્યોને રવિવારે જ ગાંધીનગર હાજર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. રવિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક યોજાશે, જેમાં ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યો માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રોકાઈ રહેવા આદેશ કરાયો છે. ભાજપની આ નવી યાદી એ સાબિત કરે છે કે પક્ષમાં સખત મહેનત કરનારા સામાન્ય કાર્યકરની કદર થાય છે. આ નિર્ણયોથી આગામી સમયમાં ભાજપના પાયાના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળશે તે નક્કી છે.





