ISKCON Bridge Accident: અમદાવાદના ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવનાર આ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રાયલ કોર્ટમાં જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં તથ્ય પટેલ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયો છે. ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક હિટ એન્ડ રન ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ કેસમાં અનેક લોકોના મોત અને ઇજાઓ બાદ તથ્ય પટેલ સામે ગંભીર આરોપો નોંધાયા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફરી એકવાર આ કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
1 કરોડના બોન્ડ પર મળ્યા જામીન
સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને 1 કરોડ રૂપિયાના બોન્ડ પર નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આદેશ બાદ તેમના વકીલ દ્વારા ટ્રાયલ કોર્ટ સમક્ષ બે અઠવાડિયાની અંદર બોન્ડની રકમ જમા કરાવવાની બાહેંધરી આપવામાં આવી હતી. Mત્યારબાદ ટ્રાયલ કોર્ટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને જામીનની પ્રક્રિયાને મંજૂરી આપી હતી.
ટ્રાયલ કોર્ટે મૂકી કડક શરતો
જામીન મંજૂર કરતી વખતે ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલ માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ નક્કી કરી છે. કોર્ટના આદેશ અનુસાર તથ્ય પટેલે પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો રહેશે. આ ઉપરાંત કોર્ટની પૂર્વ મંજૂરી વિના ભારતની બહાર પ્રવાસ કરી શકશે નહીં. સાથે જ કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરવાની પણ શરત મૂકવામાં આવી છે.
સમયાંતરે કોર્ટમાં હાજરી આપવી પડશે
જામીનની અન્ય મહત્વપૂર્ણ શરત મુજબ તથ્ય પટેલે સમયાંતરે કોર્ટ સમક્ષ હાજરી આપવી પડશે અને તપાસ તથા ટ્રાયલ પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે. કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો જામીનની શરતોનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયો તથ્ય પટેલ
તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તથ્ય પટેલ અમદાવાદની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલની બહાર તેની મુક્તિને લઈને મીડિયા અને લોકોમાં ભારે રસ જોવા મળ્યો હતો. ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીને જામીન મળતા હવે કેસની આગામી સુનાવણી અને ટ્રાયલ પ્રક્રિયા પર સૌની નજર ટકેલી છે.
સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો કેસ
ઇસ્કોન ઓવરબ્રિજ પર સર્જાયેલી દુર્ઘટના રાજ્યના સૌથી ચર્ચિત અકસ્માત કેસોમાંની એક બની હતી. ઘટનાએ માર્ગ સુરક્ષા, બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના બનાવો અને કાયદાકીય કાર્યવાહી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થયા બાદ કેસ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, જ્યારે પીડિત પરિવારો અને સમાજના વિવિધ વર્ગો પણ આ નિર્ણય પર નજર રાખી રહ્યા છે.





