Ahmedabad Riverfront Boat Fire: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગુરુવારે એક ચોંકાવનારી આગની ઘટના સામે આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરની ઓળખ અને ગૌરવ ગણાતા રિવરફ્રન્ટ વિસ્તારમાં ગાંધીબ્રિજની નીચે કિનારે લાંગરેલી એક ખાનગી બોટમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો તથા સ્થાનિક લોકોએ તરત જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગે કોઈપણ વિલંબ કર્યા વિના બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કર્યા હતા. આગ નદીના કિનારે લાંગરેલી બોટમાં લાગી હોવાથી અને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી ઉભી થતી હોવાથી ફાયર ટીમે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યૂહરચના અપનાવી હતી. ફાયરકર્મીઓએ ગાંધીબ્રિજ પરથી જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
ગાંધીબ્રિજ નીચે લાંગરેલી બોટમાં અચાનક આગ
પ્રાથમિક માહિતી અનુસાર, હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાથી એક ખાનગી એજન્સીની બોટ ગાંધીબ્રિજની નીચે કિનારે લાંગરેલી હાલતમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન અચાનક જ બોટમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાતી હોવાથી બ્રિજ પરથી પસાર થતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયરબ્રિગેડે અપનાવી અવી રણનીતિ
આગની જાણ મળતા જ ફાયર વિભાગની બે ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. બોટ નદીના કિનારે હોવાથી અને સીધી પહોંચમાં અડચણ ઉભી થતી હોવાથી ફાયરકર્મીઓએ ગાંધીબ્રિજની ઉપરથી જ પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમયસર શરૂ કરાયેલી કામગીરીના કારણે આગને ઝડપથી કાબૂમાં લઈ શકાયી હતી. જો આગ વધુ ફેલાઈ હોત તો આસપાસના વિસ્તારમાં પણ જોખમ ઊભું થઈ શક્યું હોત.
મોટી જાનહાનિ ટળી
સદનસીબે આગ સમયે બોટ સંપૂર્ણપણે બંધ હાલતમાં હતી અને તેમાં કોઈ વ્યક્તિ હાજર નહોતો. ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ કોઈ નાગરિકો ન હોવાથી મોટી જાનહાનિ અથવા ઇજાની ઘટના બની નહોતી.
ફાયર વિભાગના ઝડપી પ્રતિસાદના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી અને સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.
આગનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ તકનીકી ખામીના કારણે ફાટી નીકળી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગનું વાસ્તવિક કારણ સામે આવી શકશે.





