Gujarat ATS: ગુજરાત અને રાજસ્થાન ATSની સંયુક્ત કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનો મોટો ખુલાસો થયો છે. બંને રાજ્યોની ATS ટીમોએ નેશનલ હાઈવે-68 પર નાકાબંધી દરમિયાન એક ઈકો કારમાંથી 5 કિલોગ્રામ મેથામ્ફેટામાઈન (Methamphetamine) જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે.
પાકિસ્તાની સ્મગલર મારફતે મેથામ્ફેટામાઈન લાવીને વેચવાની તૈયારી
આ કાર્યવાહી ગુજરાત ATSના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. પટેલને મળેલી ખાનગી બાતમી પર આધારિત હતી. બાતમી મુજબ રાજસ્થાનના બે વ્યક્તિઓ – શંકરરામ અને સલમાન – પાકિસ્તાની સ્મગલર મારફતે મેથામ્ફેટામાઈન લાવીને તેને વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક કે. વસંત અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી. અને રાજસ્થાન ATS સાથે માહિતી શેર કરીને બંને રાજ્યોની સંયુક્ત ટીમે જેસલમેર અને બનાસકાંઠા વચ્ચેના નેશનલ હાઈવે-68 પર સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી ગોઠવી.
થેલીઓમાં મેથામ્ફેટામાઈન મળી આવ્યું
તા. 06 એપ્રિલ 2026ની સાંજે વાહન તપાસ દરમિયાન એક શંકાસ્પદ ઈકો કારને રોકી તપાસ કરતાં અંદરથી શંકરરામ અને સલમાન નામના બે વ્યક્તિઓ મળ્યા. તેમની પાસેથી એક પીળી થેલીમાં 5 પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં મેથામ્ફેટામાઈન મળી આવ્યું. પ્રાથમિક તપાસમાં તેની પુષ્ટિ થતાં આ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને બંને આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા.
સરહદ પાર કરીને બારમેરમાં ડ્રોપ કરાવ્યું
આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાનના બારમેર જિલ્લાના સદર બારમેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા મસાત ઉર્ફે મુબારક નામના વ્યક્તિએ સરહદ પાર કરીને બારમેરમાં ડ્રોપ કરાવ્યું હતું. ત્યારબાદ શંકરરામ અને સલમાને તે ઉપાડ્યું હતું. આરોપીઓના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ અને વીડિયો જેવા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા પણ મળ્યા છે, જે આખા નેટવર્કને ઉઘાડી પાડવામાં મદદરૂપ થશે.
ગુજરાત ATSના આ અભિયાનને આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ તસ્કરી વિરુદ્ધની મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. તેમજ બંને રાજ્યોની ATS વચ્ચેના સારા સંકલનનો પણ આ ઉત્તમ દાખલો છે. હાલ આ કેસના સંપૂર્ણ નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓની તપાસ ચાલુ છે.






