Home Gujarat Gujarat Ats Cracks International Drug Ring 22 Kg Etomidate Seized Two More Arrested In Mumbai

ગુજરાત ATSની મોટી સફળતા : આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં વધુ બે શખ્સોની ધરપકડ, કરોડોનું એટોમિડેટ જપ્ત

ગુજરાત ATSની મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 11:06 AM IST

International Drug Trafficking: ગુજરાતમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટ (Etomidate) ના ગેરકાયદેસર નિકાસના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આ કેસમાં વધુ સફળતા મેળવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ATS એ વધુ બે આરોપીઓને દબોચી લીધા છે અને મુંબઈ એરપોર્ટ પરથી વિદેશ મોકલવામાં આવતો 22 કિલોગ્રામ એટોમિડેટનો જથ્થો જપ્ત કર્યો છે.

કેવી રીતે ચાલતું હતું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક?

ગુજરાત ATS દ્વારા ગત તારીખ 07/03/2026 ના રોજ એટોમિડેટ પાવડરના જથ્થા સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશોમાં ખોટા બિલો અને કસ્ટમ્સ ક્લિયરન્સના કાગળો બનાવી ડ્રગ્સ મોકલતા હતા. આરોપીઓ ડ્રગ્સને છુપાવવા માટે તેના પર 'એલોવેરા પાવડર' અને 'ગીનોપોલ-24' ના લેબલ લગાવી મિસડિક્લેરેશન કરતા હતા. આ મામલે ATS એ ગુના નંબર 03/2026 હેઠળ ભારતીય ન્યાય સહિંતા-2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તપાસમાં વધુ બે આરોપીઓ સકંજામાં

આ અગાઉ ATS એ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા નિકુંજ હરેશભાઈ ગઢીયા (ઉ.વ. 28) ની ધરપકડ કરી હતી. આ ગુનાની વધુ તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. ચાવડા દ્વારા અન્ય બે આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે તેમણે ચેતનભાઇ કનુભાઈ વાવડીયાની તા. 08/03/2026 ના રોજ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભૌતિક દામજીભાઈ પદમણીની પણ આ જ દિવસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ધરપકડ કરાયેલા નિકુંજ ગઢિયાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણે તાજેતરમાં જ મલેશિયા મોકલવા માટે 6 પાર્સલ એરકાર્ગો મારફતે મોકલ્યા હતા. જેનું કુલ વજન 25.5 કિલોગ્રામ હતું. મુંબઈ ખાતે જઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એન. ભરવાડ દ્વારા આ પાર્સલોની રમણ સ્પેક્ટ્રોગ્રાફ ડ્રગ ડિટેક્ટર કીટ થી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 22 કિલોગ્રામ પદાર્થ 'એટોમિડેટ' હોવાની પુષ્ટિ થઈ હતી.

કંપનીઓની તપાસમાં પુરાવા મળ્યા

ATS દ્વારા આરોપીઓની કંપનીઓની ઓફિસ પર જઈને જડતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એટોમિડેટની ખરીદીના બિલો અને સ્ટોક રજિસ્ટર મળી આવ્યા હતા, જેનાથી તે વાત સ્પષ્ટ થઈ છે કે આરોપીઓ જાણીજોઈને મિસલેબલીંગ કરીને આ પ્રતિબંધિત પદાર્થ વિદેશ મોકલી રહ્યા હતા. હાલમાં ATS દ્વારા ભારતીય ન્યાય સહિંતા-2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને નેટવર્કના અન્ય તાર શોધવા તજવીજ શરૂ કરી છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now