Gujarat ATS: ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ દેશ વિરોધી પ્રવૃત્તિઓના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI માટે જાસૂસી કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અજય કુમાર સિંહ (ઉં.વ. 38, રહે. દમણ) અને રશ્મિની રવીન્દ્ર પાલ (ઉં.વ. 35, રહે. ગોવા) છે. ATSને ગુપ્ત માહિતી મળી હતી કે આ બંને વ્યક્તિઓ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ દ્વારા પાકિસ્તાની ઓપરેટિવ્સના સતત સંપર્કમાં છે અને ભારતીય સેના તેમજ સુરક્ષા એજન્સીઓને લગતી સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા છે. આ માહિતીમાં સૈન્ય હલનચલન, તૈનાતી અને અન્ય ગુપ્ત બાબતોનો સમાવેશ થતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પાકિસ્તાની હેન્ડલર્સ સાથેની ચેટ
ATSએ બંને આરોપીઓના મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરીને ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. તપાસમાં પાકિસ્તાની હેન્ડલર્સ સાથેની ચેટ, વૉઇસ મેસેજ અને પૈસાના વ્યવહારોના પુરાવા મળી આવ્યા છે. આરોપીઓને નાણાકીય લાભ આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.
સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે તેમ હતું
ગુજરાત ATSના ડીઆઇજીએ જણાવ્યું હતું કે, “આ એક સંગઠિત જાસૂસી નેટવર્ક હતું જે દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે તેમ હતું. અમે આ કેસમાં વધુ ઊંડી તપાસ કરી રહ્યા છીએ અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાશે.”આરોપીઓ વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટની વિવિધ કલમો તેમજ IPCની ગુનાઓ નોંધવામાં આવ્યા છે. બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાની ખુફિયા એજન્સીઓ દ્વારા ભારતમાં ચલાવવામાં આવતી જાસૂસી પ્રવૃત્તિઓના ખતરાને ઉજાગર કર્યો છે.






