Home Gujarat Gujarat Ats Arrest Vikas Golu Rohit Godara Naveen Boxer Gang Kutch

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી : રોહીત ગોદારા નવીન બોક્સર ગેંગનો શૂટર વિકાસ ઉર્ફે ગોલુ કચ્છમાંથી ઝડપાયો

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 08:00 AM IST

ગુજરાત ATS દ્વારા સંગઠિત ગુનાખોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતભરમાં સક્રિય ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક્સ પર સતત નજર રાખી રહેલી ગુજરાત ATS ને મહત્વની બાતમી મળી હતી. ATS ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને માહિતી મળી હતી કે રોહીત ગોદારા–નવીન બોક્સર ગેંગ સાથે સંકળાયેલ વિકાસ ઉર્ફે ગોલુ જસબિરસિંહ શ્યોરાણ, મૂળ હરિયાણાના કાકરોલી ગામનો રહેવાસી, હાલ ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં છુપાયો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ચાવડાએ ઇનપુટની ચકાસણી કરતા જાણવા મળ્યું કે વિકાસ રાપરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલી એક આર.ઓ. પ્લાન્ટ કંપનીમાં પોતાના ઓળખીતાના ત્યાં રોકાયેલ છે. આ માહિતી કચ્છ પોલીસને શેર કરવામાં આવતા પૂર્વ કચ્છ (ગાંધીધામ) એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરી હતી.

પોલીસ ટીમે રાપર વિસ્તારમાં દરોડો પાડી વિકાસ ઉર્ફે ગોલુને દિન્કેશ ઉર્ફે કાલી નામના શખ્સના મકાનમાંથી ઝડપી લીધો હતો. બાદમાં બંનેને વધુ પૂછપરછ માટે અમદાવાદ સ્થિત ગુજરાત ATS કચેરીએ લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે વિકાસે 4 સપ્ટેમ્બર 2025 ના રોજ હરિયાણાના ભિવાની શહેરના કોર્ટ પરિસરમાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લવજીત નામના યુવાનની ગોળી મારી હત્યા કરી હતી. આ હત્યા બે ગેંગ વચ્ચેની અદાવતમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ ગુનામાં વપરાયેલ પિસ્ટલ રોહીત ગોદારા દ્વારા મોકલવામાં આવી હતી અને તમામ આરોપીઓ રોહીત ગોદારા–નવીન બોક્સર ગેંગના સભ્ય હોવાનું બહાર આવ્યું છે. હત્યા બાદ વિકાસ ફરાર હતો અને નવીન બોક્સરની સૂચનાથી તેણે રાપરમાં દિન્કેશ ઉર્ફે કાલીના ઘરે આશ્રય લીધો હતો. દિન્કેશે પણ પૂછપરછમાં આરોપીને આશ્રય આપ્યાની કબૂલાત કરી છે.

આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા માહિતી હરિયાણા એસ.ટી.એફ.ને સોંપવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને હરિયાણા એસ.ટી.એફ.ને હવાલે કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીને કારણે સંગઠિત ગુનાખોરી સામે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી ફરી એકવાર સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now