Home Gujarat Gujarat Ahmedabads Svp Hospital In Controversy Again Daughters Allegations After Patients Dies

"મફત સારવારના નામે દર્દીઓ પર પ્રયોગો..." : માતાના મોત બાદ SVP Hospital પર દીકરીના ગંભીર આરોપો

"મફત સારવારના નામે દર્દીઓ પર પ્રયોગો..."
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 12:56 PM IST

અમદાવાદની SVP Hospital માં સારવાર દરમિયાન એક મહિલાના મૃત્યુ બાદ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો થયા છે. ક્ષિતિષા સોની નામની યુવતીએ પોતાની માતા ગીરા સોનીના મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને હોસ્પિટલની સારવાર પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

યુવતીના જણાવ્યા મુજબ, તેમની માતાને અસ્થમા અને ડાયાબિટીસ જેવી સામાન્ય તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થતી ગઈ અને અંતે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર અને દેખરેખ ન મળવાને કારણે આ ઘટના બની છે.
વીડિયોમાં યુવતીએ ખાસ કરીને ‘બ્રોન્સ્કોપી’ પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, અસ્થમાનો ગંભીર એટેક ચાલતો હોવા છતાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેના કારણે દર્દીની હાલત વધુ ખરાબ થઈ હોવાનું તેઓએ કહ્યું છે.

આ ઉપરાંત યુવતીએ ICU માં પૂરતા સિનિયર ડોક્ટરો ઉપલબ્ધ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હોસ્પિટલમાં અલગ-અલગ સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાનો અને દર્દીઓ પર યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. યુવતીએ "આયુષ્માન કાર્ડ હેઠળ મફત સારવારના નામે દર્દીઓ પર પ્રયોગો થવાની પણ શંકા વ્યક્ત કરી છે."

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. SVP હોસ્પિટલના CEO દ્વારા સુપરિન્ટેન્ડન્ટ પાસેથી સમગ્ર મામલે અહેવાલ માંગવામાં આવ્યો છે અને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

4 થી 5 મૃત્યુ મોટી હોસ્પિટલો માટે સામાન્ય : SVP હોસ્પિટલ

સંજય ત્રિપાઠીના જણાવ્યા અનુસાર SVP હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ચારથી પાંચ દર્દીઓના મૃત્યુ થાય છે, જે મોટી હોસ્પિટલોમાં સામાન્ય ગણાય છે. હાલ હોસ્પિટલમાં 1200થી વધુ બેડની ક્ષમતા છે અને લગભગ 450 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણનો SVP પર હુમલો

આ ઘટનાને લઈ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે હોસ્પિટલના ડોક્ટરોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, કરોડો રૂપિયા ખર્ચીને SVP હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ અહીંની ફેસીલીટીની વાત કરવામાં આવે તો દર્દીઓ સાથે અન્યાય કરવામાં આવે છે, પરિવાર સાથે અન્યાય કરવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે, "SVP હોસ્પિટલની બેદરકારીના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મોતની ઘટનાઓ સામે આવી છે. SVP હોસ્પિટલ લોકોના જીવ લેવાનું કામ કરે છે." તેમના કહેવા મુજબ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સમયસર સારવાર મળવી જોઈએ. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ હોસ્પિટલની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now