Home Gujarat Gujarat Ahmedabad News Truck Carrying Planes Tail Meets With Accident

પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકનો પણ અકસ્માત! : દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો ભાગ ઝાડમાં ભરાઈ જતાં કાટમાળ લઈ જતી ટ્રક અધવચ્ચે અટવાઈ, જુઓ Video

પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકનો પણ અકસ્માત!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2025, 09:47 AM IST

Ahmedabad Plane Crash Updates: અમદાવાદમાં થયેલાં વિમાન અકસ્માતની ઘટનાએ દુનિયાભરમાં હડકંપ મચાવ્યો હતો. ત્યારે આજે સવારે તંત્ર દ્વારા દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ હટાવતી વખતે પણ એક અકસ્માત સર્જાયો. જીહાં, ઘટનાસ્થળ પરથી હવે પ્લેન ક્રેશનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. એવામાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એન્ટી કરપ્શન બ્યૂરોની કચેરી પાસે પ્લેનનો કાટમાળ લઈ જતી ટ્રક ઝાડમાં અટવાઈ હતી. જે ટ્રકમાં કાટમાળ હતો તે ACB કચેરી નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના કાટમાળનો હિસ્સો ઝાડમાં ફરાઈ ગયો હતો. જેને પગલે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો હતો.

ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ટેલને ઝાડમાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના માટે શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જોકે, પોલીસે અને ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો હતો.

અગાઉ પ્લેનનો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અંદરથી એક એર હોસ્ટેસનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને ફાયર વિભાગ અને NDRFના કર્મચારીઓએ કટર મશીનથી છૂટો પાડી, દોરડાથી ખેંચી આ મૃતદેહ બહાર કાઢ્યો, જેની સ્થિતિ અરેરાટી ઊપજાવે એવી હતી. પ્લેનના ટેઇલમાંથી મૃતદેહ બહાર કાઢવાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ ટેક-ઓફ દરમિયાન ક્રેશ થઈ ગઈ હતી. આ જીવલેણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકો સહિત 270 લોકોનાં મોત થયાં હતાં. સદનસીબે વિમાનમાં સવાર એક વ્યક્તિનો બચાવ થયો હતો. આ વિમાન દુર્ઘટનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. વિમાન દુર્ઘટનામાં ફક્ત વિમાનમાં સવાર લોકોએ જ જીવ ગુમાવ્યો નહોતો, પરંતુ અમદાવાદની મેડિકલ કોલેજમાં કેટલાક ડોકટરોએ પણ જીવ ગુમાવ્યો, કારણ કે વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું.આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. રૂપાણી લંડન પોતાના પરિવારને મળવા જઈ રહ્યાં હતાં, તે દરમિયાન આ વિુમાન દુર્ઘટના થઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now