લાફાકાંડ કેસમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા હતા. જેથી હવે તેમના વકીલ દ્વારા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવશે. ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતરને જામીન ન મળે તે માટે તેના જૂના કેસનો જિલ્લા કોર્ટમાં સરકારી વકીલે ઉલ્લેખ કર્યો હતો.
ચૈતર વસવાના જુના કેસોને ધ્યાનમાં લઇ કોર્ટે જામીન નથી આપ્યા. અગાઉનાં 8 ગુના, 6 માસની સજા, ભૂતકાળમાં પાસા અને તડીપારના કેસો સહિત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ધમકી ભર્યા વિડીયોનો પણ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી હવે જામીન માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જવું પડશે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવાર જુલાઈ 5ના રોજ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.






