IPL 2026 : IPL 2026 ની આતુરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ પ્રેમીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ Tata IPL 2026 ના સમયપત્રકમાં મોટો સુધારો જાહેર કર્યો છે. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાનારી બે મહત્વની મેચોના સ્થળ અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મેચના સ્થળમાં ફેરફાર
મૂળ શિડ્યુલ મુજબ, 26 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બપોરની મેચ રમાવાની હતી. હવે આ મેચ અમદાવાદને બદલે ચેન્નાઈના એમ. એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 03:30 વાગ્યે શરૂ થશે.
અમદાવાદમાં રમાશે મેચ
સામે પક્ષે, 21 મે 2026 ના રોજ જે મેચ ચેન્નાઈમાં રમાવાની હતી, તે હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે. આ ફેરફારથી અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓને હવે મે મહિનામાં ધોમધખતા તાપ વચ્ચે સાંજના સમયે હાઇ-વોલ્ટેજ મેચ જોવાનો લ્હાવો મળશે.
ચૂંટણીના કારણે નિર્ણય
BCCI એ સ્પષ્ટતા કરી છે કે, 26 એપ્રિલ 2026 ના રોજ અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણીના કારણે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવી પડકારજનક બની શકે તેમ હોવાથી, વહીવટી તંત્રની સરળતા માટે મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ આ સત્તાવાર જાહેરાત કરી છે.





