Home Gujarat Governor Acharya Devvratji Teaches Youth To Live A Life Based On Vedic Value

નવી દિલ્હીમાં 42મી વૈચારિક ક્રાંતિ શિબિરનું સમાપન : ગુજરાતના રાજ્યપાલે યુવાનોને કેવું જીવન જીવવાની આપી મોટી શીખ?

નવી દિલ્હીમાં 42મી વૈચારિક ક્રાંતિ શિબિરનું સમાપન
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 11:19 AM IST

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 42મી વૈચારિક ક્રાંતિ શિબિરના સમાપન સમારંભમાં યુવાનોને સંબોધતાં જણાવ્યું કે, વૈદિક જીવનશૈલી, નૈતિક શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી – આ ત્રણ આત્મનિર્ભર ભારતની આધારશિલા છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું કે, તેઓ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને અને પોતાના જીવનમાં વૈદિક મૂલ્યોને આત્મસાત કરે.

અખિલ ભારતીય દયાનંદ સેવાશ્રમ સંઘ દ્વારા આયોજિત આ શિબિરમાં ભારતના નવ રાજ્યો; આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાંથી આવેલા યુવાનોએ ભાગ લીધો હતો. શિબિરનો ઉદેશ્ય યુવાનોને રાષ્ટ્રવાદ, સમાજસેવા અને આર્યસમાજના સિદ્ધાંતો આધારિત નેતૃત્વ નિર્માણ તથા જીવન મૂલ્યોનું પ્રશિક્ષણ આપવાનો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં ગુરુકુલ પદ્ધતિની પુનઃસ્થાપના, ચરિત્ર નિર્માણ અને પ્રાકૃતિક ખેતી વિષયક બાબતોની ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ વૈદિક શિક્ષણ પદ્ધતિને પુનર્જીવિત કરવા પ્રયત્નશીલ છે અને ગુરુકુલોના માધ્યમથી નૈતિક જીવનશૈલીને સામાન્ય જનસમુદાય સુધી પહોંચાડી રહ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતીને ભારતની કૃષિ ક્રાંતિનું પ્રથમ ચરણ ગણાવતાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ સમાજ પરિવર્તનનું શક્તિશાળી સાધન છે.

રાજ્યપાલએ આ અવસરે જણાવ્યું કે, “શિક્ષણ, સેવા અને સંસ્કાર – એ જ ભારતનો આત્મા છે. જ્યારે યુવા પેઢી વૈદિક વિચારો સાથે જોડાશે, ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રજાગૃતિ થશે. આ સમારોહમાં દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજયેન્દ્ર ગુપ્તા, દિલ્હી સરકારના શિક્ષણમંત્રી આશિષ સૂદ, જે.બી.એમ. જૂથના અધ્યક્ષ એસ.કે. આર્ય, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ ધર્મપાલ, મહામંત્રી વિનય આર્ય અને સંઘવાહ અનિલ ગુપ્તા સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શિબિર દરમિયાન યુવાનોએ નેતૃત્વ વિકાસ, સાંસ્કૃતિક ગૌરવ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રહિતમાં યોગદાન જેવા વિષયો પર કાર્યશાળા અને સંવાદ સત્રોમાં ભાગ લીધો હતો. અનેક યુવાનો માટે આ શિબિર માત્ર તાલીમ શિબિર નહોતી, પરંતુ જીવન નિર્માણનો એક દૃઢ અનુભવ રહ્યો.

કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય દયાનંદ સેવાશ્રમ સંઘના મહાસચિવ જોગીંદર ખટ્ટરે કર્યું. તેમણે સંસ્થાની આગામી યોજનાઓ વિશે માહિતી આપી અને જણાવ્યું કે, આવનારા સમયમાં દેશભરના યુવાનોને આ વિચારો સાથે જોડવા માટે આવી શિબિરોની શ્રેણી શરૂ કરાશે.

અખિલ ભારતીય દયાનંદ સેવાશ્રમ સંઘ છેલ્લા પચાસ વર્ષોથી દેશના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક પુનર્નિર્માણ ક્ષેત્રે સતત કાર્યરત છે. આ શિબિર સંસ્થાની દીર્ઘકાલિન વૈચારિક પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી પરિણામ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now