Home Gujarat Government Job Dream Dealer Cheats More Than 10 Job Seekers

સરકારી નોકરીના સપનાનો સોદાગર : 10થી વધુ નોકરી ઈચ્છુકો સાથે છેતરપિંડી

સરકારી નોકરીના સપનાનો સોદાગર
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 05:04 PM IST

અમદાવાદમાં ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોવા છતાં શિક્ષણનો ઉપયોગ જનસેવા માટે નહીં પરંતુ ઠગાઈ માટે કરનાર એક યુવક અને તેના સાગરીતે સરકારી નોકરી અપાવવાના ભુલકાવાથી 10થી વધુ યુવકો પાસેથી કુલ ₹7.67 લાખની ઠગાઈ આચરી હોવાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. આરોપીઓએ કલર પ્રિન્ટર અને GSRTCના નકલી સ્ટેમ્પ તૈયાર કરી નોકરીના નકલી ઓર્ડરો આપી લોકોને છેતર્યાં હતા.

અહિ મળતી માહિતી મુજબ, નિલેશ રોહિત નામનો આરોપી મૂળ આણંદનો રહેવાસી છે અને અગાઉ વડોદરાના એસટી વિભાગમાં પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો.
આંતરિક માહિતીનો ઉપયોગ કરીને તેણે વેકેન્સી, હોદ્દા અને અધિકારીઓની મંજુરીઓ વિશે વિશ્વસનીય માહિતી જેવી વાતો કરીને લોકોનો વિશ્વાસ જીત્યો હતો. ત્યાર બાદ તેણે આશિષ ક્રિશ્ચન નામના સાગરીત સાથે મળીને નોકરીના વાયદા આપી લાખો રૂપિયાની ઉઘરાણી શરૂ કરી.

નકલી ઓર્ડર અને સરકારી મોભા વાળા દસ્તાવેજોનો સહારો
આરોપીઓએ કલર પ્રિન્ટર, નકલી લેટરહેડ અને ST વિભાગના નકલી સ્ટેમ્પ તૈયાર કરીને નોકરીના ઓર્ડર તૈયાર કર્યા હતા. તેઓએ ખોખરા વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં ખાનગી નોકરી કરતા એક યુવકને “સિનિયર ક્લાર્ક”ની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. જયારે યુવકે પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવું જાણ્યું, ત્યારે તેણે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પોલીસ ઈન્સ્પેક્ટર આર.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં નિલેશ રોહિત અને આશિષ ક્રિશ્ચનની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં ખુલ્યું કે, આશિષના વિરુદ્ધ અગાઉ મોડાસા ખાતે પ્રોહીબીશનનો ગુનો પણ નોંધાયેલો છે.

પોલીસે કબજે લીધા મુદ્દામાલ, વધુ આરોપીઓ સામે તપાસ તીવ્ર
પોલીસે આરોપીઓ પાસેથી કલર પ્રિન્ટર, નકલી લેટરપેડ, સ્ટેમ્પ તેમજ 2 સિક્કા સહિતના પુરાવા કબજે કર્યા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં 10થી વધુ લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી કુલ ₹7.67 લાખ ખંખેર્યા હોવાનું ખુલ્યું છે.

હજુ પણ વધુ લોકો ઠગાઈના શિકાર બન્યા હોવાની આશંકા છે. વટવા GIDC પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓના જોડાણો અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now