8th Pay Commission Gratuity Death Update: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચની ભલામણો અમલમાં આવે તે પહેલાં વિવિધ કર્મચારી સંગઠનોએ ગ્રેચ્યુઇટી અને ડેથ બેનિફિટના નિયમોમાં મોટા ફેરફારો કરવાની માંગ ઉઠાવી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો નિવૃત્ત થતા કર્મચારીઓ તેમજ સેવા દરમિયાન અવસાન પામતા કર્મચારીઓના પરિવારજનોને હાલની સરખામણીએ વધુ નાણાકીય લાભ મળી શકે છે. હાલમાં સરકારના કર્મચારીઓને નિર્ધારિત સેવા સમયગાળો પૂર્ણ કર્યા બાદ નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટીનો લાભ આપવામાં આવે છે. સાથે જ જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન અવસાન થાય તો તેના પરિવારને પણ ડેથ ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે. હવે કર્મચારી સંગઠનો આ બંને વ્યવસ્થાઓમાં સુધારા માટે સરકાર સમક્ષ વિગતવાર પ્રસ્તાવો રજૂ કરી રહ્યા છે.
હાલમાં ગ્રેચ્યુઇટી અંગે શું છે નિયમ?
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પાંચ વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યા બાદ નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટીનો લાભ મળવાનો નિયમ છે. ગ્રેચ્યુઇટી કર્મચારીની સેવા અવધિ અને છેલ્લે મળતા પગારના આધારે નક્કી કરવામાં આવે છે. જો કોઈ કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય તો તેના પરિવારને પણ સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ ડેથ ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે. આ રકમ કર્મચારીના સેવા સમયગાળા અનુસાર બદલાય છે.
આ પણ વાંચો: ફિટમેન્ટ ફેક્ટર અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઝટકો?: 8 મા પગાર પંચને લઈ મોટો પ્લાન
ગ્રેચ્યુઇટી મર્યાદા 50 લાખ રૂપિયા કરવાની રજૂઆત
ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRSTA) એ 8મા પગાર પંચ સમક્ષ ગ્રેચ્યુઇટીની ગણતરી અને મહત્તમ મર્યાદામાં સુધારા માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંગઠનની માંગ છે કે રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવે. ઉપરાંત ગ્રેચ્યુઇટીની ગણતરી કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના આધારે વધુ લાભદાયી રીતે કરવામાં આવે. સંગઠનનું માનવું છે કે વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને ધ્યાનમાં લેતા હાલની મર્યાદા પૂરતી નથી અને કર્મચારીઓને વધુ આર્થિક સુરક્ષા આપવાની જરૂર છે.
ડેથ ગ્રેચ્યુઇટી માટે પણ બદલાવની માંગ
IRSTA દ્વારા ડેથ ગ્રેચ્યુઇટીના નિયમોમાં પણ ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે. પ્રસ્તાવ અનુસાર સેવા દરમિયાન અવસાન પામતા કર્મચારીના પરિવારને મળતી રકમ સેવા સમયગાળાના આધારે વધુ વ્યવસ્થિત રીતે નક્કી કરવામાં આવે. પ્રસ્તાવિત માળખા મુજબ એક વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીના પરિવારને મૂળ પગારના ચાર ગણાં જેટલી રકમ મળી શકે છે. જ્યારે લાંબી સેવા આપનાર કર્મચારીઓના પરિવારને વધુ લાભ આપવાની ભલામણ કરવામાં આવી છે. 20 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીઓના કિસ્સામાં ગ્રેચ્યુઇટીની રકમ નોંધપાત્ર રીતે વધી શકે છે.
આ પણ વાંચો: 8મા પગાર પંચ પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂશ ખબર: જાણો ક્યારથી પગારમાં થઈ શકે છે વધારો
રેલ્વે પેન્શનર સંગઠનની પણ મોટી માંગ
રેલ્વે સિનિયર સિટીઝન્સ વેલફેર સમિતિ (RSCWS) એ પણ ગ્રેચ્યુઇટીની ટોચમર્યાદાની સમયાંતરે સમીક્ષા કરવાની માંગ કરી છે. સંગઠનનું કહેવું છે કે, મોંઘવારી સતત વધી રહી હોવાથી ગ્રેચ્યુઇટીની મર્યાદા પણ સમયાંતરે વધારવી જોઈએ. ઉપરાંત કર્મચારી નિવૃત્ત થાય ત્યારબાદ કોઈપણ પ્રકારના વિલંબ વગર તરત જ ગ્રેચ્યુઇટીની ચુકવણી કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. સાથે જ જૂની પેન્શન યોજના (OPS), નવી પેન્શન યોજના (NPS) અને યુનિફાઇડ પેન્શન યોજના (UPS) હેઠળ ગ્રેચ્યુઇટીના નિયમોને વધુ સરળ અને સમાન બનાવવાની માંગ પણ કરવામાં આવી છે.
ગ્રેચ્યુઇટી મર્યાદા 75 લાખ રૂપિયા સુધી વધારવાની રજૂઆત
નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) દ્વારા સૌથી મોટી માંગ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા વધારીને 75 લાખ રૂપિયા કરવાની કરવામાં આવી છે. આ સંગઠનનું માનવું છે કે, હાલની મર્યાદા લાંબી સેવા આપતા કર્મચારીઓ માટે પૂરતી નથી. ઉપરાંત ગ્રેચ્યુઇટીની ગણતરીમાં ઉપયોગમાં લેવાતા 30 દિવસના ધોરણને બદલે 25 કાર્યકારી દિવસોના આધારે ગણતરી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી!: રૂ.18,000ની સેલરી સીધી રૂ.68,940 સુધી પહોંચી શકે
33 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીઓને મળી શકે મોટો ફાયદો
NC-JCM એ ગ્રેચ્યુઇટી માટે લાગુ 16.5 ગણાં પગારની મર્યાદા દૂર કરવાની પણ માંગ કરી છે. સંગઠનના મતે આ મર્યાદાના કારણે 33 વર્ષથી વધુ સેવા આપતા કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઇટીમાં ઘટાડો થાય છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો લાંબા સમય સુધી સરકારી સેવા આપનાર કર્મચારીઓને નિવૃત્તિ સમયે વધુ લાભ મળી શકે છે. હવે કર્મચારી સંગઠનોની આ માંગણીઓ પર 8મા પગાર પંચ અને કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે તેના પર લાખો કર્મચારીઓની નજર ટકેલી છે.





