8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. નવા પગાર પંચની ભલામણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ કર્મચારી સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓ અને વિવિધ અંદાજોને કારણે ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને 'ફિટમેન્ટ ફેક્ટર'ને લઈને ચાલી રહેલી ચર્ચાએ કર્મચારીઓમાં આશા જગાવી છે કે આગામી પગાર સુધારણા તેમના માસિક પગારમાં મોટો વધારો લાવી શકે છે. જો કર્મચારી સંગઠનોની સૌથી મોટી માંગ મુજબ 3.83નો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો હાલમાં ₹18,000ની ન્યૂનતમ બેઝિક સેલરી વધીને ₹68,940 સુધી પહોંચી શકે છે. આ વધારો માત્ર મૂળ પગાર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, પેન્શન અને અન્ય ભથ્થાં પર પણ તેની સીધી અસર જોવા મળશે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર અને કેમ છે એટલો મહત્વનો?
ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણાંક (Multiplier) છે, જેના આધારે હાલના મૂળ પગાર અને પેન્શનને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવામાં આવે છે. પગાર પંચની ભલામણોમાં આ સૌથી મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો, કર્મચારીના હાલના બેઝિક પગારને ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવે છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે, પગારમાં વધારો પણ એટલો વધુ થશે.
7મા પગાર પંચમાં શું મળ્યું હતું?
7મા પગાર પંચ દરમિયાન કેન્દ્ર સરકારે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કર્યો હતો. તેના કારણે કર્મચારીઓનો ન્યૂનતમ મૂળ પગાર ₹7,000થી વધીને સીધો ₹18,000 થયો હતો. આ વધારો તે સમયે લાખો કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થયો હતો અને હવે 8મા પગાર પંચમાં પણ કર્મચારીઓ વધુ સારા ફિટમેન્ટ ફેક્ટરની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: DAમાં 2% વધારાની જાહેરાત: આ રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે મોટો ફાયદો
8મા પગાર પંચ માટે કેટલી છે માંગ?
હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનો દ્વારા અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે. નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)એ સૌથી વધુ 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જ્યારે કેટલાક સંગઠનોએ 2.86, 3.00, 3.25 અને 3.68 જેવા વિકલ્પો પણ સૂચવ્યા છે. નિષ્ણાતોનો એક વર્ગ 1.92થી 2.57 વચ્ચેના ફિટમેન્ટ ફેક્ટરની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યો છે.
ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે કેટલો થઈ શકે પગાર?
હાલના ₹18,000ના ન્યૂનતમ બેઝિક પગારના આધારે અંદાજિત ગણતરી મુજબ:
2.57 ફિટમેન્ટ ફેક્ટર પર: ₹46,260
2.86 ફિટમેન્ટ ફેક્ટર પર: ₹51,480
3.00 ફિટમેન્ટ ફેક્ટર પર: ₹54,000
3.25 ફિટમેન્ટ ફેક્ટર પર: ₹58,500
3.68 ફિટમેન્ટ ફેક્ટર પર: ₹66,240
3.83 ફિટમેન્ટ ફેક્ટર પર: ₹68,940
આ આંકડા કર્મચારી સંગઠનોની માંગ અને ઉપલબ્ધ અંદાજો પર આધારિત છે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી.
માત્ર બેઝિક પગાર નહીં, ભથ્થાંમાં પણ થશે વધારો
પગાર પંચની ભલામણો અમલમાં આવ્યા બાદ અસર માત્ર બેઝિક પગાર સુધી મર્યાદિત રહેતી નથી. કર્મચારીઓને મળતા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય વિવિધ ભથ્થાં પણ નવા બેઝિક પગારના આધારે વધી જાય છે.
આ ઉપરાંત હાલમાં મળતો મોંઘવારી ભથ્થો (DA) નવા મૂળ પગારમાં સમાવી લેવામાં આવે તેવી શક્યતા છે. ત્યારબાદ DAની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે અને સમયાંતરે મોંઘવારીના આધારે તેમાં વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને જુલાઈથી વધશે મોંઘવારી ભથ્થું?: DA અંગે આવ્યા મોટા અપડેટ
પેન્શનરોને પણ મળશે ફાયદો
8મા પગાર પંચનો લાભ માત્ર કાર્યરત કર્મચારીઓ પૂરતો મર્યાદિત નહીં રહે. લાખો કેન્દ્રીય પેન્શનરોની પેન્શનમાં પણ વધારો થવાની શક્યતા છે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે પેન્શનનું પુનઃનિર્ધારણ કરવામાં આવશે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓને પણ આર્થિક રાહત મળી શકે છે.
હવે સરકારના નિર્ણય પર સૌની નજર
હાલમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે કોઈ અંતિમ ફિટમેન્ટ ફેક્ટર જાહેર કર્યો નથી. કર્મચારી સંગઠનો પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે અને ચર્ચાઓનો દોર ચાલુ છે.
આગામી મહિનાઓમાં સરકાર દ્વારા લેવામાં આવનારો નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરોની આવક પર સીધી અસર કરશે. તેથી દેશભરના સરકારી કર્મચારીઓની નજર હવે 8મા પગાર પંચની સત્તાવાર ભલામણો અને સરકારના અંતિમ નિર્ણય પર ટકેલી છે.






