રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજોનો મામલો સામે આવ્યો. જેમાં સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ બતાવી તાલુકા પંચાયતના નકલી હુકમો આપવામાં આવ્યાનો કૌભાંડ સામે આવ્યો છે. જેના પગલે ગોંડલનું ત્રાકુડા ગામ ચર્ચામાં છે. ત્યારે હવે ત્રાકુડા ગામના પૂર્વ તલાટી કમ મંત્રી વિરૂદ્ધ ચાલુ તલાટી કમ મંત્રીએ ફરિયાદ દાખલ કરી છે.
પૂર્વ તલાટી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ
વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હોવાની પણ ચર્ચા તેજ બની છે. જે સમગ્ર મામલે ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ હતા? તે બાબતે પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
વર્તમાન તલાટીએ શું કહ્યું ?
તેમણે જણાવ્યું કે, ''તેમના પૂર્વે ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલીયા તા.16/01/2021થી તા.31/07/2024 સુધી ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજના સમયગાળા દરમિયાન અંગત આર્થિક ફાયદા માટે તલાટી કમ મંત્રી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો. તેમણે બનાવટી હુકમો તથા સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં તાલુકા વિકાસ અધિકારી-ગોંડલ તથા સર્કલ ઇન્સ્પેક્ટર તાલુકા પંચાયત ગોંડલની સહીઓ પોતાની જાતે કરી હતી. આ કિંમતી સરકારી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી, તેમણે 31 આસામીઓને દસ્તાવેજો આપી પોતાના નિયંત્રણમાં રહેલી મિલકતને અપ્રમાણિકતાથી અને ગેરવ્યાજબી રીતે વેચી દીધી''.

_0c86b544-cade-466f-9f5c-a3e1b135f4dd.jpg)




