Home Business Goldman Sachs India Gdp Growth Forecast Cut Oil Prices

વૈશ્વિક સંકટની ભારતીય અર્થતંત્ર પર અસર : ગોલ્ડમેન સેક્સે GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, જાણો વિગતવાર

વૈશ્વિક સંકટની ભારતીય અર્થતંત્ર પર અસર
Published by: Vishal Dave
Last Updated: Mar 24, 2026, 04:27 PM IST

વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર દેખાવા લાગી છે. દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેક્સે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ આ વૃદ્ધિ દર 7 ટકા રહેવાની ધારણા હતી, જેને હવે ઘટાડીને 5.9 ટકા કરી દેવામાં આવી છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ અને તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને જવાબદાર માનવામાં આવે છે.

તેલના ભાવ અને સપ્લાય ચેઇનમાં અવરોધ

ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા ઓઇલ સપ્લાયમાં જે વિક્ષેપ સર્જાયો છે તેની અસર એપ્રિલના મધ્ય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આ કારણોસર માર્ચમાં ક્રૂડ ઓઇલની કિંમત 105 ડોલર અને એપ્રિલમાં 115 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર હોવાથી મોંઘા તેલની અસર સીધી રીતે વિદેશી મુદ્રા ભંડાર અને રાજકોષીય ખાધ પર પડશે.

મોંઘવારી અને રેપો રેટમાં વધારાની શક્યતા

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વર્ષ 2026માં ભારતમાં મોંઘવારીનો દર વધીને 4.6 ટકા થઈ શકે છે, જે અગાઉ 3.9 ટકા રહેવાનો અંદાજ હતો. જોકે આ દર RBIની નિર્ધારિત મર્યાદામાં જ છે, તેમ છતાં રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે સેન્ટ્રલ બેંક રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.50 ટકાનો વધારો કરી શકે છે. અગાઉ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ હવે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે.

રૂપિયાનું મૂલ્ય રેકોર્ડ નીચલી સપાટીએ

ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં રૂપિયો 4 ટકા જેટલો તૂટ્યો છે અને હાલમાં તે 93 થી 95 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. રૂપિયાના નબળા પડવાને કારણે આયાત કરવી વધુ મોંઘી બની છે, જેની અસર દેશના કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર પડશે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન કરંટ એકાઉન્ટ ડેફિસિટ GDPના 1.3 ટકા હતી, જે હવે વધીને 2 ટકા સુધી પહોંચી શકે છે.

સામાન્ય જનતા પર શું થશે અસર?

આ આર્થિક ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જો ક્રૂડ ઓઇલ મોંઘું થશે તો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સનો ખર્ચ વધશે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત, જો RBI રેપો રેટમાં વધારો કરશે, તો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પરના વ્યાજદરમાં વધારો થશે, જેનાથી EMI મોંઘા બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now