અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક ભેજાબાજ મુસાફરને ઝડપી લઈને સોનાની દાણચોરીની એક નવી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન શખસ પાસેથી કુલ અંદાજે 96 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીએ દાણચોરી માટે અન્ડરવેરનો ઉપયોગ કર્યો હતો.
અન્ડરવેરમાંથી નીકળ્યો 45 લાખ રૂપિયાનું સોનું!
કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી સ્પાઈસજેટની ફ્લાઇટ નંબર SG-016 દ્વારા અમદાવાદ પહોંચેલા એક શખસની શંકાસ્પદ હિલચાલને આધારે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ચાલાકીપૂર્વક તેના અન્ડરવેર માં પેસ્ટ સ્વરૂપે સોનું છુપાવ્યું હતું, જેની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા થાય છે. આ પેસ્ટ પ્રથમ નજરે સામાન્ય કાપડ જેવી દેખાતી હોવાથી સરળતાથી નજરચૂક થઈ શકે તેવી હતી. જોકે, કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાને કારણે આ અનોખી દાણચોરી પદ્ધતિ ઝડપાઈ ગઈ.
બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી પણ મળી આવી
આ ઉપરાંત શખસના ખિસ્સામાં રાખેલા પર્સની તપાસ કરતા તેમાં 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી. આ રીતે કુલ 324.140 ગ્રામ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 51,73,274 થાય છે. અન્ડરવેરમાં છુપાવેલું પેસ્ટ સ્વરૂપનું સોનું અને લગડીઓ મળીને કુલ જપ્ત સોનાની કિંમત આશરે 96 લાખ રૂપિયા થતી હોવાનું કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના અન્ડરવેરની આડમાં થતા ગોલ્ડ સ્મગલિંગની નવી મોડસ ઓપરેન્ડી દર્શાવે છે. હાલ કસ્ટમ્સ વિભાગ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આ દાણચોરી પાછળ સંડોવાયેલા રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલુ છે.




















