Home Gujarat Gold Worth Crores Of Rupees Found In Couples Undergarments Husband And Wife Arrived In Surat From Dubai

કપલના અંડરગાર્મેન્ટ્સમાંથી નીકળ્યું કરોડો રૂપિયાનું સોનું : દુબઈથી 24 કિલો સોનું લઈને સુરત પહોંચ્યા હતા પતિ-પત્ની, કસ્ટમ ઉંઘતુ રહ્યું અને CISFએ ઝડપ્યાં

કપલના અંડરગાર્મેન્ટ્સમાંથી નીકળ્યું કરોડો રૂપિયાનું સોનું
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 08:20 AM IST

Gold Smuggling: સોનાના ભાવ વધતા દાણચોરીના કિસ્સાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં કરોડોના સોનાની દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે એક કપલ દુબઈથી કરોડો રૂપિયાનું સોનું લઈને સુરત પહોંચી ગયું હતું. સોનું છુપાવવા માટે કપલે જે કિમિયો અજમાવ્યો હતો એ જોઈને તો પોલીસ, સુરક્ષાકર્મીઓ, તપાસ એજન્સીઓ અને CISFની ટીમ સૌ કોઈ ચોંકી ગયા હતાં. કપલના અંડરગાર્મેન્ટ્સમાંથી સોનાનો ઢગલો નીકળતા સૌ કોઈ દંગ રહી ગયા.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો મોટો ભાંડાફોડ થયો છે. જેમાં પતિ-પત્ની દુબઈથી લગભગ 25.57 કરોડ રૂપિયાના 24.827 કિલોગ્રામ સોનાને પેસ્ટ સ્વરૂપે છુપાવીને લાવતા ઝડપાયા છે. આ ઓપરેશન દ્રારા ગુજરાતના ઇતિહાસમાં સોનાની દાણચોરીના ટોપ 10 કેસોમાંથી એક હોવાનું પણ સરકારે ચોપડે નોંધાયું. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા રૂ. 25.57 કરોડનું 24.827 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતમાં સોનાની સૌથી મોટી 10 જપ્તીઓમાંની એક છે.

કેવી રીતે ઝડપાયા દાણચોર?

20 જુલાઈએ દુબઈથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ IX-174 મારફતે આવેલા મુસાફરો વિરલ સુરેશભાઈ ધોળકિયા અને તેમની પત્ની ડોલીબેન ધોળકિયા પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને CISF ની ટીમે શંકા ધરાવી હતી. તેમના હાવભાવ અને ટેકનિકલ પ્રોફાઇલિંગના આધારે તેમની નજીક નજર રાખવામાં આવી. CISFના સક્રિય વૉચ પછી બંનેને રોકી તપાસ કરવામાં આવી, જેમાં એક મોટું દાણચોરીનું કાવતરું બહાર આવ્યું.

સોનું ક્યાં છુપાવાયું હતું?

પત્ની-પતિએ કુલ 28.100 કિલો સોનાને પેસ્ટ સ્વરૂપે પેન્ટ, અંડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ અને ફૂટવેરમાં કુશળતાપૂર્વક છુપાવ્યું હતું. કસ્ટમ્સ વિભાગે તપાસ બાદ જણાવ્યું હતું કે બજારમાં તેની કિંમત અંદાજે 25.57 કરોડ રૂપિયા થાય છે. બંનેની કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

શું આ કેસ હવાલા અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે?

કેસની ગંભીરતા અને સોનાની મોટી રકમને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) પણ તપાસમાં જોડાશે. માનવામાં આવે છે કે આ કેસ હવાલા ટ્રાન્ઝેક્શન્સ અને મની લોન્ડરિંગના નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે.

દાણચોરીમાં બોડી કન્સીલમેન્ટ ટેકનીકનો ઉપયોગ:

આ કેસમાં જોવા મળ્યું કે દાણચોરોએ એડવાન્સ્ડ બોડી કન્સીલમેન્ટ ટેકનીકનો ઉપયોગ કર્યો છે. સોનાને પેસ્ટ રૂપે બનાવીને તેને શરીર સાથે લગાડી શકાતા, તેને શોધવું વધુ મુશ્કેલ બની જાય છે. આવું ટેક્નિકલી તદ્દન અદ્યતન ગણાય છે અને સુરક્ષા એજન્સીઓ માટે નવી પડકારરૂપ છે.

પહેલાં પણ આવી રીતે પકડાયા છે દાણચોર:

સુરત એરપોર્ટ અગાઉ પણ દાણચોરીના અનેક કેસોને ચશ્મદર્શી રહ્યો છે. 2023માં પણ DRI દ્વારા 25 કરોડ રૂપિયાનું સોનું પકડાયું હતું. મોટાભાગનું સોનું દુબઈ અને શારજાહથી આવતી ફ્લાઈટ્સ મારફતે લાવવામાં આવે છે. Smuggling માટે પેસ્ટ ફોર્મમાં સોનાને કન્સીલ કરવાનું ટેક્નિક વર્ષોથી અપનાવવામાં આવતું રહ્યું છે.

કઈ રીતે બદલાતા ગોલ્ડના ભાવ દાણચોરીને પ્રોત્સાહન આપે છે?

ગત સમયમાં ગોલ્ડ પરની ડ્યૂટી ઘટતાં દાણચોરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે હાલના સમયમાં ગોલ્ડના ભાવ ₹1 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જતાં ફરી દાણચોરીમાં વૃદ્ધિ થઇ છે. વધતી કિંમતે ડ્યૂટી પણ વધુ બને છે, જેનું મૂલ્ય બચાવવા માટે દાણચોરો નવી નવી રીતો અજમાવે છે.

હવે ED અને DRIની ટીમ આ કેસમાં વધુ તપાસ કરશે. જડપાયેલા દંપતી સોનું કોના માટે લાવ્યા હતા, તેને સુરતમાં કોને આપવાનું હતું, અને પેમેન્ટ હવાલા મારફતે કોણે કર્યું—આ તમામ બાબતોની વિગતવાર પૂછપરછ ચાલુ છે. આ કેસ દાણચોરીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય નેટવર્કના ખુલાસા સુધી પહોંચી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now