Gold-Silver Import Duty Hike: દેશમાં સતત વધી રહેલી સોનાની આયાત અને રૂપિયાના મૂલ્યમાં થતા ઘટાડાને રોકવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને મોટો આર્થિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને અપીલ કરી હતી કે શક્ય હોય ત્યાં સુધી એક વર્ષ માટે સોનાની ખરીદી ટાળવી. પીએમની આ અપીલના થોડા જ સમય બાદ હવે નાણાં મંત્રાલયે સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી (આયાત શુલ્ક)માં ધરખમ વધારો ઝીંકી દીધો છે. આ નિર્ણયની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળશે અને આજથી જ સોના-ચાંદીના ભાવમાં મોટો ભડકો થવાની પૂરેપૂરી શક્યતા છે.
ભારત વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ઉપભોક્તા દેશ છે. જ્યારે પણ આયાત ડ્યૂટીમાં વધારો થાય છે, ત્યારે તેની સીધી અસર લગ્નસરાની સીઝન અને રોકાણકારો પર પડતી હોય છે. સરકારના આ કડક વલણને કારણે હવે મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું ફરી એકવાર મોંઘું બનશે.
નવી ડ્યૂટીનું ગણિત: જાણો હવે કેટલો ટેક્સ લાગશે?
સરકારે સોના અને ચાંદી પરની કુલ આયાત ડ્યૂટી જે અત્યાર સુધી 6 ટકા હતી, તેને વધારીને હવે 15 ટકા કરી દીધી છે. આ વધારા પાછળનું ટેક્સ માળખું નીચે મુજબ છે:
બેઝિક કસ્ટમ ડ્યૂટી: 10 ટકા
એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC): 5 ટકા
કુલ પ્રભાવી ડ્યૂટી: 15 ટકા
આ નવા દરો અમલી બનતાની સાથે જ બુલિયન માર્કેટમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આયાતકારોએ હવે માલ છોડાવવા માટે અગાઉ કરતા બમણાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: દેશમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ? : PM મોદીની અપીલ બાદ પેટ્રોલ-ડીઝલ પર સરકારના મોટા સંકેત
શા માટે સરકારે લેવો પડ્યો આ આકરો નિર્ણય?
નિષ્ણાંતોના મતે સરકારના આ નિર્ણય પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર છે:
વિદેશી મુદ્રા ભંડારની જાળવણી: સોનાની બેફામ આયાતને કારણે ભારતનું વિદેશી હુંડિયામણ (Forex Reserve) ઝડપથી વપરાય છે. આયાત ઘટાડીને ડોલરની બચત કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.
રૂપિયાને મજબૂતી આપવી: આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. સોનાની આયાત ઘટવાથી ડોલરનો બહાર જતો પ્રવાહ અટકશે, જે અંતે રૂપિયાને સ્થિર કરવામાં મદદરૂપ થશે.
વૈશ્વિક અસ્થિરતા: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક સંકટ વચ્ચે દેશની આર્થિક સુરક્ષાને મજબૂત કરવા માટે આ વ્યૂહાત્મક પગલું ભરવામાં આવ્યું છે.
બજેટ 2024 ની રાહત હવે ઈતિહાસ બની
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય બજેટ 2024 માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી 15% થી ઘટાડીને 6% કરી હતી. આ રાહત બાદ દેશમાં સોનાની આયાતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જોકે, આયાતમાં થયેલા આ અચાનક વધારાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) પર અસર પડી હતી, જેને સુધારવા માટે સરકારે ફરીથી જૂના ટેક્સ સ્લેબ લાગુ કરી દીધા છે.
સ્મગલિંગ વધવાનો ભય: અધિકારીઓની ચિંતા
સરકારના આ નિર્ણયથી મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓમાં ચિંતા પણ જોવા મળી રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સોના પર ટેક્સ વધારવામાં આવે છે, ત્યારે ગેરકાયદેસર રીતે સોનું લાવવાની એટલે કે 'સ્મગલિંગ'ની પ્રવૃત્તિઓ વેગ પકડે છે. વર્ષ 2024 માં જ્યારે ડ્યૂટી ઘટાડાઈ હતી ત્યારે સ્મગલિંગના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે 15 ટકા ડ્યૂટી થતા ફરી એકવાર એરપોર્ટ અને દરિયાઈ માર્ગે સોનાની તસ્કરી વધવાની આશંકા સેવાઈ રહી છે.





