ગુજરાતની શાન ગણાતા ગિરનારના જંગલોમાં વસતા મૂંગા પશુઓ પર અત્યારે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. જંગલની નજીક આવેલા રહેણાંક વિસ્તારો અને ખાસ કરીને ભવનાથ તળેટીમાં કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે જેના કારણે ભૂખથી પીડાતા વન્યજીવો આ ઝેરી પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર બન્યા છે. તાજેતરમાં જ એક જાગૃત નાગરિક અને પ્રકૃતિ પ્રેમીએ પોતાના કેમેરામાં એક દ્રશ્ય કેદ કર્યું છે જેમાં ગિરનાર જંગલની હદમાં એક હરણ પ્લાસ્ટિકના ઢગલામાંથી કચરો ચાવતું સ્પષ્ટ નજરે પડે છે. આ ઘટનાએ વન વિભાગની કામગીરી અને દાવાઓ સામે મોટા પ્રશ્નાર્થ ખડા કર્યા છે.
વન મંત્રી સુધી પહોંચી ફરિયાદ
આ ગંભીર બાબતને લઈને જયદીપ ઓડેદરાએ રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંત્રીને ટેગ કરીને આ વીડિયો શેર કર્યો હતો અને પોતાની વ્યથા ઠાલવી હતી. આ વીડિયો ભવનાથથી લાલ ઢોરી તરફ જતા રસ્તા પરનો હોવાનું જાણવા મળ્યું છે જ્યાં પ્લાસ્ટિકના ગંજ ખડકાયેલા છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે આપણી સંવેદના પ્રાણીઓ પ્રત્યે જાગે તે જરૂરી છે કારણ કે અહીં સંખ્યાબંધ વન્યજીવોની સતત અવરજવર રહેતી હોય છે. વન વિભાગ વારંવાર ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
અગાઉ પણ બની હતી આવી ઘટના
નોંધનીય છે કે થોડા સમય પહેલા નીચલા દાતાર વિસ્તારમાં પણ બરાબર આવી જ ઘટના બની હતી. તે સમયે પણ એક હરણ કચરાના ઢગલામાં મોઢું નાખીને પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ બાબતની ગંભીર નોંધ લઈને તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો. મંત્રીના આદેશ બાદ જે તે જગ્યા સાફ કરવામાં આવી હતી અને પ્લોટના માલિકને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે લોકોનો સવાલ એ છે કે મંત્રીના આદેશ પછી જ તંત્ર શા માટે જાગે છે. વન વિભાગ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં કેમ નિષ્ફળ જઈ રહ્યું છે તેવો સૂર લોકોમાં ઉઠી રહ્યો છે.
પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
ગિરનાર વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે કે લોકોને ચેતવવા માટે વન વિભાગ દ્વારા કોઈ ખાસ સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. જ્યારે કોઈ વીડિયો સામે આવે ત્યારે માત્ર થોડા સમય પૂરતી દોડધામ કરવામાં આવે છે અને લોકોને જાગૃત કરવાનો દેખાડો કરવામાં આવે છે. પરંતુ જમીની હકીકત બદલાતી નથી. ગિરનાર અભયારણ્યમાં સિંહ અને દીપડા જેવા હિંસક તેમજ હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ વસવાટ કરે છે ત્યારે પ્લાસ્ટિકના કારણે તેમના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ગંભીર ચેડાં સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.






