Home Gujarat Girnar Parikrama 2025 Cancelled

લીલી પરિક્રમાની જળવાઈ પરંપરા : સાધુ-સંતોએ મુહૂર્તમાં શરૂ કરી પરિક્રમાં, વરસાદ અને ખરાબ રસ્તાના કારણે યાત્રાળુઓ માટે આ વર્ષે રદ

લીલી પરિક્રમાની જળવાઈ પરંપરા
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 04:15 AM IST

ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે યોજાઈ શકે તેમ નથી. અચાનક પડેલા ભારે વરસાદ અને પરિક્રમા માર્ગ બિસ્માર બનતાં જૂનાગઢ જિલ્લા તંત્રએ ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખી પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો છે. અનેક વિભાગના અધિકારીઓ, સંતો અને પદાધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભક્તોની સુવિધા અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હોવાથી આ પગલું અનિવાર્ય બન્યું.

તેમ છતાં ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે દેવદિવાળી (1 નવેમ્બર)ની મધ્યરાત્રિએ ભવનાથ તળેટી ખાતે પ્રતિકાત્મક પૂજન અને દીપ પ્રાગટ્ય વિધિ સાથે પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાયો હતો. મધ્યરાત્રિના શાંતિમય વાતાવરણમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગિરનાર પર્વત પ્રફુલ્લિત થઈ ઉઠ્યું.

પ્રતિકાત્મક પૂજન અને વિધિ સાથે મુહૂર્ત જાળવાયો

જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે પરંપરાગત વિધિ ખોરવાય નહીં તે માટે રાત્રે બાર વાગ્યે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમથી ધાર્મિક વિધિ શરૂ થઈ. ગુરુ દત્તાત્રેયના પૂજન બાદ દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધારવાની વિધિ પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે કલેક્ટર, કમિશનર, સંતો અને અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી તથા કિન્નર અખાડાના પ્રતિનિધિઓ સહીતના સંતો આ વિધિમાં જોડાયા હતા.

પરંપરા જાળવવા માટે મર્યાદિત યાત્રા

જાહેર જનતા માટે પરિક્રમા બંધ હોવા છતાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓએ પ્રતિકાત્મક પરિક્રમા યાત્રા શરૂ કરી છે. વહેલી સવારે શરૂ થયેલી આ યાત્રા સાંજ સુધી પૂર્ણ થવાની છે. તંત્રના જણાવ્યા મુજબ પરિક્રમા માર્ગના ઘણા ભાગો વરસાદથી ધોવાઈ જતા ચાલવા માટે જોખમી બની ગયા છે.

પરિક્રમા રદના મુખ્ય કારણો

આ વર્ષે પડેલા કમોસમી વરસાદે પરિક્રમા માર્ગને ખંડેર બનાવી દીધો છે. 36 કિલોમીટર લાંબો રૂટ કાદવ, પાણી અને કીચડથી છલકાયો છે, જેના કારણે યાત્રાળુઓ લપસી પડવાની અથવા અકસ્માત થવાની શક્યતા વધી ગઈ હતી. લાખો ભક્તોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હોવાથી તેમની સલામતી માટે જોખમ લેવુ યોગ્ય નહોતું.

વરસાદને કારણે જંગલ વિસ્તારમાં રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા અશક્ય બની ગઈ હતી. અન્નક્ષેત્રો માટે સૂકા લાકડાં મેળવવા મુશ્કેલ બનતાં રસોઈ બનાવવી દૂષ્કર થવાની હતી. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તંત્રએ જાહેર જનતાને પરિક્રમાથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.

સેવાભાવી સંસ્થાઓ અને વેપારીઓને આર્થિક આંચકો

ગિરનારની પરિક્રમા દરમિયાન દર વર્ષે જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. આ વખતે યાત્રા સ્થગિત થવાથી સ્થાનિક વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓને મોટો નુકસાન સહન કરવો પડી રહ્યો છે. અનેક અન્નક્ષેત્રોએ પહેલેથી અનાજ અને અન્ય સામગ્રી ખરીદી રાખી હતી, પરંતુ જંગલમાં પ્રવેશ બંધ થતાં સ્વયંસેવકોને આ સામગ્રી પરત લેવી પડી રહી છે. આથી વર્ષભરની તેમની સેવા પ્રવૃત્તિ ખોરવાઈ છે. દાણાપીઠના વેપારીઓએ પણ ખાદ્યસામગ્રીનો મોટો સ્ટોક તૈયાર કર્યો હતો, જે હવે અપ્રયોજ્ય રહ્યો છે.

આસ્થા યથાવત, ગિરનાર તળેટીમાં ભક્તોનો ઉમટો

તંત્રનો નિર્ણય જાહેર થયા છતાં ભક્તોમાં શ્રદ્ધાનો જ્યોત ઓસર્યો નથી. હજારો લોકો ભવનાથ અને ગિરનાર તળેટીમાં પહોંચીને પૂજા કરી રહ્યા છે. અનેક ભક્તો માને છે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીની ગિરનાર પરિક્રમા પૂર્ણ કરવાથી નવનાથ સિદ્ધો અને ચોરાસી જોગણીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ વર્ષે ભક્તો માટે યાત્રા રદ હોવા છતાં તંત્રનો નિર્ણય સુરક્ષા અને માનવહિત માટે અનિવાર્ય ગણાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ