Gir Somnath Police : ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં આજે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેરહિતમાં લેવાયેલા આ નિર્ણય હેઠળ એકસાથે 53 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે, જેમાં 13 મહિલા પોલીસકર્મીઓ પણ સામેલ છે. જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં મોટા પાયે હલચલ મચી ગઈ છે અને પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ પોલીસ વિભાગમાં બદલીનો દોર
એસ.પી. જાડેજાએ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્રમાં કડક સાફસૂફી શરૂ કરી છે. થોડા દિવસ પહેલાં જ તેમણે જિલ્લાની મહત્વપૂર્ણ LCB અને SOG બ્રાન્ચમાં પણ વિશાળ ફેરફારો અને બદલીઓના આદેશ કર્યા હતા. હવે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી આ બીજી મોટી કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે એસ પી જાડેજા પોલીસ તંત્રને વધુ વ્યવસ્થિત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે સચેત છે.
જિલ્લામાં ચર્ચાનો વિષય
પોલીસ તંત્રના સ્તરે આ બદલીઓથી આગામી દિવસોમાં પોલીસ કામગીરી પર શું અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે. હાલ તો મોટા પાયે થયેલી આ બદલીઓએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.






