Home Gujarat Gir Somnath Gangda Rupen River Flood 250 People Rescued

ગીર સોમનાથમાં પૂરનો પ્રકોપ, 250થી વધુ લોકોનું સ્થળાંતર : કોસ્ટગાર્ડ દ્વારા 4 માછીમારો અને ઘરમાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યૂ

ગીર સોમનાથના ગાંગડા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી કરતી  વહીવટી તંત્રની ટીમ
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 10:03 AM IST

ગીર સોમનાથ: જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગાંગડા ગામમાં રૂપેણ નદીનો પાળો તૂટતાં ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું, જ્યારે ઉનાના સૈયદ રાજપરામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક બોટો અને હોડીઓ સમુદ્રમાં તણાઈ ગઈ હતી. બીજી તરફ સુલતાનપુર ગામમાં ઘરમાં ફસાયેલા ચાર લોકોને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર, SDRF અને કોસ્ટગાર્ડની સમયસરની કામગીરીને કારણે તમામ લોકોનો સલામત બચાવ કરવામાં સફળતા મળી હતી.

ગાંગડા ગામમાં 250 લોકોનું સ્થળાંતર

ગાંગડા ગામે મોડી રાત્રે આશરે 1 વાગ્યે ભારે વરસાદને કારણે રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. જેના કારણે નવા પ્લોટ વિસ્તાર અને ઊંટવાળા રોડ વિસ્તારમાં પૂરનું પાણી ઘૂસી જતાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આશરે 250 લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળતાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ અને SDRFની ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી.

ગાંગડા પ્રાથમિક શાળા અને બાપા સીતારામ આશ્રમ ખાતે લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા 115 લોકોને રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે અન્ય લોકો પોતાના સગા-સંબંધીઓના ઘરે સ્થળાંતરિત થયા હતા.

સૈયદ રાજપરામાં બોટો સમુદ્રમાં તણાઈ, 4 માછીમારોનો બચાવ

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે દરિયાઈ ખાડી વિસ્તારમાં લાંગરેલી 5થી 6 બોટ અને 2થી 3 નાની હોડીઓ ભારે વરસાદ, પવન અને નદીના તેજ પ્રવાહના કારણે લંગર તોડી સમુદ્રમાં તણાઈ ગઈ હતી.

તણાયેલી એક બોટમાં ચાર માછીમારો હોવાની જાણ થતાં કોસ્ટગાર્ડે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટગાર્ડે કમલેશ જીલુભાઈ બારૈયા, નરશી બચુભાઈ બાંભણીયા, રવજી બાબુભાઈ શિયાળ અને રામજી બાબુભાઈ શિયાળને નવાબંદર નજીકથી સલામત રીતે બચાવી લીધા હતા.

સુલતાનપુરમાં ઘરમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યૂ

ઉના તાલુકાના સુલતાનપુર ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં એક ઘરમાં ચાર લોકો ફસાઈ ગયા હતા. માહિતી મળતાં મામલતદાર કચેરી અને SDRFની ટીમે સંયુક્ત કામગીરી કરીને તમામ ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

બચાવાયેલા લોકોને સુલતાનપુર પ્રાથમિક શાળામાં ખસેડી રહેવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લામાં ભારે વરસાદને પગલે SDRFની ટીમ સતત સતર્ક રહી વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત કામગીરી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now