એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલોમાં સિંહોના સ્વાસ્થ્યને લઈને વન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. તાજેતરમાં સંભવિત ચેપી રોગચાળાની આશંકાને પગલે વન મંત્રી અર્જુન મોઢવાડિયાના આદેશ બાદ નિષ્ણાત તબીબોની ટીમ અને વન વિભાગનો કાફલો ગીરના જંગલોમાં તહેનાત કરી દેવામાં આવ્યો છે. સિંહોને જીવલેણ વાયરસથી બચાવવા માટે અત્યારે 'ડી-ટીકિંગ' અને 'ડી-વોર્મિંગ' જેવી અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગિરનાર અભયારણ્યમાં વસતા 54 સિંહોની સલામતી માટે વન વિભાગે સતત મોનિટરિંગ શરૂ કર્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ગિરનારના કોઈપણ સિંહ કે સિંહબાળમાં કોઈ ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહમાં 41 સિંહો પર 'ડી-ટીકિંગ' અને 'ડી-વોર્મિંગ'ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સિંહોના સ્વાસ્થ્ય પર 24 કલાક નજર રાખવા માટે વનકર્મીઓ, ટ્રેકર્સ અને ફોરેસ્ટર્સને ખાસ સૂચના આપવામાં આવી છે.
શું છે આ જીવલેણ રોગો - CDV અને બેબેસિયા?
નિષ્ણાતોના મતે, સિંહો માટે બે મોટા ખતરાઓ 'બેબેસિયા' અને 'કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ' (CDV) છે.
બેબેસિયા (Babesia): આ એક પ્રકારનો ચેપ છે જે 'ટીક' (ચીચડી) દ્વારા ફેલાય છે. તેની અસર મનુષ્યોમાં થતા મેલેરિયા જેવી હોય છે, જેનાથી સિંહોમાં એનિમિયા અને ગંભીર અશક્તિ આવી જાય છે.
CDV (કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ): આ વાયરસ હવા દ્વારા ફેલાય છે અને અત્યંત ઘાતક માનવામાં આવે છે. CDV વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી, જે સિંહોની રોગપ્રતિકારક શક્તિને તોડી નાખે છે.
વન વિભાગનું એક્શન પ્લાન અને સતર્કતા
વન વિભાગની ગાઈડલાઈન મુજબ, જો કોઈપણ સિંહમાં નબળાઈ, આંખ કે નાકમાંથી પાણી આવવું કે તાવ જેવા લક્ષણો દેખાય, તો તરત જ તેને રેસ્ક્યુ કરીને સારવાર આપવામાં આવશે. હાલમાં ગિરનાર વિસ્તારમાં સિંહો સંપૂર્ણ સ્વસ્થ હોવાથી વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું નથી, પરંતુ સિંહોની વધતી જતી સંખ્યાને જોતા તંત્ર કોઈ પણ જોખમ લેવા માંગતું નથી.
આ પણ વાંચો: ગીરમાં બાળસિંહોના શંકાસ્પદ મોત બાદ વન વિભાગ એલર્ટ: 'ડીટીકિંગ' કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
નિષ્ણાતોનું શું કહેવું છે?
સિંહોના જીવન પર સંશોધન કરી રહેલા ડો. જલપન રૂપાપરાના જણાવ્યા મુજબ, બેબેસિયાના કેસ સામાન્ય રીતે જોવા મળે છે અને સારવાર બાદ સિંહોને ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવે છે. સિંહોના વસવાટ વિસ્તારમાં વધારો થતા ભાવનગરથી લઈને પોરબંદર સુધી સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું છે, ત્યારે વન વિભાગની આ સક્રિયતા સિંહોના અસ્તિત્વને બચાવવા માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં ગીરના જંગલોમાં વેટરનરી ડોક્ટર્સ, સીસીએફ (CCF) અને આરએફઓ (RFO) ની નિષ્ણાત ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.






