Home Gujarat Gir Lion Deaths Bhupendra Patel High Level Meeting Gujarat

ગીરમાં સિંહોના મોતથી ચિંતા વધી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક

Meeting on deaths of lions in gir
Published by: Vishal Dave
Last Updated: May 27, 2026, 05:44 PM IST

વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીર જંગલમાં છેલ્લા કેટલાક દિવસોમાં સિંહોના મોતની ઘટનાઓએ રાજ્ય સરકારથી લઈને વન્યજીવપ્રેમીઓ સુધી સૌને ચિંતિત બનાવી દીધા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં 8 સિંહોના મોત બાદ હવે સમગ્ર ગીર પંથકમાં સિંહોની તબિયત અને સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક સિંહપ્રેમીઓ અને ગ્રામજનો વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

?s=46&t=V3u9gSKx-pxvI2frNmWv5w

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ગીર વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ, અધિક અગ્ર સચિવ, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ તેમજ મુખ્ય વન સંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વન વિભાગના અધિકારીઓએ મુખ્યમંત્રીને ગીર વિસ્તારમાં થયેલા સિંહોના મૃત્યુ, તેની પાછળના સંભવિત કારણો અને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં ખાસ કરીને સિંહોમાં ફેલાતી સંભવિત સીઝનલ બિમારીઓ અને તેની અટકાયત માટેના આરોગ્યલક્ષી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.

17 સિંહોને આઇસોલેટ કરાયા, 350થી વધુ સિંહોનું હેલ્થ મોનીટરીંગ

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવે બેઠક દરમિયાન માહિતી આપી હતી કે ચાર સિંહબાળના મૃત્યુ અલગ-અલગ વિસ્તારોમાં થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ અસરગ્રસ્ત વિસ્તારોના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેમની ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારની 10 કિલોમીટર ત્રિજ્યામાં વસવાટ કરતા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના નિરીક્ષણમાં અન્ય કોઈ ગંભીર ચેપજન્ય બિમારીના લક્ષણો નોંધાયા નથી.

તે ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારોમાં પણ સિંહોની દૈનિક દેખરેખ અને આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા દરરોજ આરોગ્ય અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે.

ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી સીઝનલ બિમારીઓને ધ્યાનમાં રાખીને ગીર વિસ્તારમાં 350થી વધુ સિંહોના ડી-ટિકિંગ સહિતના આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ પણ જોડાઈ છે.

સિંહપ્રેમીઓનો મોટો દાવો: “35થી 40 સિંહો જોખમમાં”

સરકારી દાવાઓ વચ્ચે ગીર વિસ્તારના સિંહપ્રેમીઓએ ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગીરગઢડાના જાણીતા સિંહપ્રેમી બાલુભાઈ હીરપરા અને છેલ્લા 30-40 વર્ષથી સિંહોની ગતિવિધિઓ પર નજર રાખતા ખેડૂત કરસનભાઈ બાબરીયાના જણાવ્યા મુજબ, ગીર વિસ્તારમાં હાલ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા દિવસોમાં ફરેડા-ઝાખીયા વિસ્તારમાંથી ત્રણ ગંભીર રીતે બીમાર સિંહોને રેસ્ક્યૂ કરીને જામવાળા સરકારી હોસ્પિટલ અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે સિંહોના મોત થઈ ચૂક્યા છે જ્યારે એક સિંહ હાલ પણ ગંભીર હાલતમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

વન્યજીવપ્રેમીઓનો દાવો છે કે જસાધાર રેન્જમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા સિંહોના મોત થયા છે. જોકે વન વિભાગ તરફથી આ આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

‘સદાવાળી ધાર’ વિસ્તાર બન્યો સિંહો માટે ખતરનાક ઝોન

સ્થાનિક લોકો અને સિંહપ્રેમીઓએ ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલી ‘સદાવાળી ધાર’ વિસ્તારને હાલ સિંહો માટે “ડેથ ઝોન” ગણાવ્યો છે.

આ વિસ્તારમાં ગામનો કચરો અને મરણ પામેલા પશુઓને ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે. વિસ્તાર જંગલની સરહદને અડીને આવેલો હોવાથી સિંહો અહીં સરળતાથી પહોંચે છે. થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ અને ઉમેદપરા સહિતના વિસ્તારોમાં અંદાજે 35થી 40 સિંહોનો કાયમી વસવાટ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

સિંહો જંગલમાંથી બહાર નીકળવા માટે ફરેડા અને ઝાખીયા માર્ગનો ઉપયોગ કરે છે અને એ જ માર્ગની આસપાસ ગંદકી તથા સડેલા માલઢોરનો ઢગલો જોવા મળે છે. સિંહપ્રેમીઓના મતે, સિંહો ભૂખના કારણે આ સડેલા પશુઓ ખાવા મજબૂર બને છે, જેના કારણે તેઓ ગંભીર ચેપ અને બિમારીઓનો ભોગ બની રહ્યા છે.

“સિંહ શિકાર કરે તો લોકો દેકારો મચાવે છે”

સ્થાનિક સિંહપ્રેમી કરસનભાઈ બાબરીયા અને બાલુભાઈએ સિંહોની હાલત પાછળ માનવ દખલગીરીને મુખ્ય કારણ ગણાવી છે.

તેમના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ સિંહ ગામની નજીક કુદરતી રીતે પશુનું શિકાર કરે છે ત્યારે લોકોના ટોળા ત્યાં એકઠા થઈ જાય છે. લોકો અવાજો કરીને અથવા વાહનો લઈને સિંહોને ભગાડવાનો પ્રયાસ કરે છે. આ ખલેલને કારણે સિંહ પોતાનું તાજું મારણ શાંતિથી ખાઈ શકતો નથી અને અધવચ્ચે છોડીને ભાગી જાય છે.

પછી ભૂખ્યા સિંહો આસપાસ પડેલા સડેલા પશુઓ તરફ આકર્ષાય છે, જે તેમના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now