GT vs LSG : IPL 2026 ની રોમાંચક મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને છે. એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનઉની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે, જેના જવાબમાં ગુજરાતની ટીમે પણ આક્રમક શરૂઆત કરી છે.
લખનઉની બેટિંગનું વિશ્લેષણ
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. જોકે, ટીમની શરૂઆત કંઈ ખાસ રહી નહોતી. મિચેલ માર્શ (11 રન) અને કેપ્ટન રિષભ પંત (18 રન) સસ્તામાં આઉટ થયા હતા. મધ્યક્રમમાં નિકોલસ પૂરને 19 રન અને અબ્દુલ સમદે 18 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરમાં શમી અને જ્યોર્જ લિન્ડેના રનથી ટીમ 164 સુધી પહોંચી શકી હતી.
ગુજરાતના બોલરોનો કહેર
ગુજરાત ટાઇટન્સ તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના સૌથી સફળ બોલર રહ્યા હતા. તેમણે 4 ઓવરમાં 28 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે પ્રસિદ્ધ ક્રિષ્નાએ આ સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપીને પર્પલ કેપ પણ પોતાના નામે કરી લીધી છે. આ ઉપરાંત, અશોક શર્માએ પણ શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ મેળવી હતી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાને પણ 1-1 સફળતા મળી હતી. રાશિદ ખાન ભલે વિકેટ ન લઈ શક્યા, પણ તેમણે રન રોકવામાં મદદ કરી હતી.
ગુજરાતની વળતી લડત
165 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત સારી રહી હતી. સાઈ સુદર્શને પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીના બોલ પર બે ચોગ્ગા ફટકારી 8 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ સુદર્શન આઉટ થતાં હવે કેપ્ટન શુભમન ગિલ અને જોશ બટલર ક્રિઝ પર છે અને ટીમની ઇનિંગને આગળ વધારી રહ્યા છે.
આ પણ ખાસ વાંચો : IPL 2026; ચેન્નાઈ-દિલ્હીની મેચમાં કેમ થઈ બબાલ? : અમ્પાયરના એક નિર્ણયથી કેમ ગરમ થયું દિલ્હીનું ડગઆઉટ?
મેચ દરમિયાન ઈજા અને ડ્રામા
મેચની બીજી ઇનિંગ દરમિયાન લખનઉના પ્રિન્સ યાદવના અંગૂઠા પર બોલ વાગ્યો હતો. શુભમન ગિલે મારેલો સીધો શોટ પકડવાના પ્રયાસમાં તેને ઈજા થઈ હતી અને મેડિકલ ટીમે મેદાન પર આવવું પડ્યું હતું. આ ઘટનામાં ગિલનો કેચ પણ છૂટી ગયો હતો, જે લખનઉ માટે મોંઘો સાબિત થઈ શકે છે.
પીચ અને હવામાનનો મિજાજ
લખનઉની પીચ હંમેશાની જેમ સ્પિનરો માટે અનુકૂળ રહી છે, પરંતુ આજે પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા ફાસ્ટ બોલરે ધમાલ મચાવી હતી. હવામાનમાં ભારે ગરમી જોવા મળી રહી છે, જે ખેલાડીઓની કસોટી કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, શું ગુજરાતના બેટ્સમેનો આ ટાર્ગેટને આસાનીથી ચેઝ કરી શકશે કે કેમ.





