Home National Ghaziabad Dpsg School Bus Fire Meerut Road

ગાઝિયાબાદમાં DPSG સ્કૂલ બસ બની અગનગોળો : કાળા ધુમાડાથી વિસ્તારમાં અફરાતફરી

સળગતી સ્કૂલ બસના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 11, 2026, 06:54 AM IST

Ghaziabad : તિરાહા નજીક દિલ્હી પબ્લિક સ્કૂલ ગાઝિયાબાદ (DPSG)ની એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને ઘટનાસ્થળેથી દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, સદનસીબે આગ લાગી ત્યારે બસમાં એક પણ વિદ્યાર્થી સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ બસનો ડ્રાઇવર પણ સમયસર બસમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેને કોઈ ઇજા પહોંચી નહોતી. ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ સવારે આશરે 9:26 વાગ્યે ફાયર સ્ટેશન કોતવાલીને કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે બસ સંપૂર્ણપણે આગની લપેટમાં હતી. આગ ઝડપથી ફેલાઈ રહી હોવાથી ફાયર કર્મચારીઓએ હોઝ લાઇન અને હોઝ રીલની મદદથી ચારેય બાજુથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી.

બસમાં CNG કિટ, ટેકનિકલ ખામીની આશંકા

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બસનો નોંધણી નંબર UP-14 GT-6565 છે અને તેમાં CNG કિટ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના બનાવ નોંધાયા નથી. પ્રાથમિક તપાસમાં આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક રીતે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના સાચા કારણો જાણવા સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક બાળકનો મૃતદેહ મળતા ચકચાર : 2 દિવસથી ગુમ 11 વર્ષીય બાળક તાપી કિનારેથી મળ્યો

ટ્રાફિક પર પણ પડી અસર

આગના કારણે મેરઠ રોડ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. કાળા ધુમાડાના ગોટેગોટા અને સળગતી બસ જોઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ફાયર વિભાગની ઝડપી કામગીરી અને બસમાં વિદ્યાર્થીઓ ન હોવાને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હવે આગના કારણો અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now