Germany Military Law: જર્મનીમાં અમલમાં આવેલા નવા 'મિલિટરી સર્વિસ મોડર્નાઇઝેશન એક્ટ' (લશ્કરી સેવા આધુનિકીકરણ અધિનિયમ) હેઠળ, 17 થી 45 વર્ષની વયના પુરુષોએ જો લાંબા સમય સુધી વિદેશમાં રહેવું હોય, તો તેમણે સૈન્યની પૂર્વ મંજૂરી લેવી પડી શકે છે. આ ફેરફાર સ્વૈચ્છિક સૈન્ય સેવાના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો છે.
સંરક્ષણ મજબૂત કરવાનો હેતુ :
1 જાન્યુઆરી 2026થી અમલમાં આવેલા આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઉભી થયેલી સુરક્ષા ચિંતાઓ વચ્ચે જર્મનીના સંરક્ષણને મજબૂત બનાવવાનો છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે 17 વર્ષ કે તેથી વધુ વયના પુરુષોએ ત્રણ મહિનાથી વધુ સમય માટે વિદેશમાં રહેવા માટે પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે.
શું આ ફરજિયાત સૈન્ય સેવા છે?
ના, જર્મનીમાં સૈન્ય સેવા હજુ પણ સ્વૈચ્છીક છે. જે યુવાનો 18 વર્ષના થશે, તેમણે એક ફોર્મ ભરવું પડશે જેમાં તેમની સ્વાસ્થ્ય સ્થિતિ અને સૈન્યમાં જોડાવાની ઈચ્છા વિશે પૂછવામાં આવશે.
આ પણ વાંચો: આ દેશમાં હવે મરવું પણ મોંઘું થયું! : કબરની કિંમત લાખો રૂપિયા થતા લોકોએ ફ્લેટમાં બનાવ્યા મડદાઘર
કેમ આ નિયમ લાવવામાં આવ્યો?
જર્મની પોતાની સૈન્ય સંખ્યા હાલના 1.84 લાખથી વધારીને 2035 સુધીમાં અંદાજે 2.55 લાખ સુધી લઈ જવા માંગે છે. આ નિયમ દ્વારા સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે સંરક્ષણ માટે જવાબદાર વયના લોકોનો સંપર્ક જાળવી શકાય. આ નિયમનો હેતુ 'વિશ્વસનીય અને અર્થપૂર્ણ લશ્કરી નોંધણી પ્રણાલી' સુનિશ્ચિત કરવાનો છે. કટોકટીના સમયે સરકાર પાસે માહિતી હોવી જોઈએ કે કયા લાયક નાગરિકો લાંબા સમયથી દેશની બહાર છે.
જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મર્ઝે યુરોપના ખતરનાક સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખીને જર્મન સૈન્ય (Bundeswehr) ને યુરોપનું સૌથી મજબૂત સૈન્ય બનાવવાનું વચન આપ્યું છે.




