Home International China News Bone Ash Apartments People Built Mortuaries In Flats As Graves Cost Lakhs Of Rupees

આ દેશમાં હવે મરવું પણ મોંઘું થયું! : કબરની કિંમત લાખો રૂપિયા થતા લોકોએ ફ્લેટમાં બનાવ્યા મડદાઘર

China Bone Ash Apartments
Published by: Nirali Gohil
Last Updated: Apr 06, 2026, 05:44 AM IST

China News: વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંના એક એવા ચીનમાં હાલ એક અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચીનમાં આર્થિક તંગી અને જમીનની અછત એટલી હદે વધી ગઈ છે કે લોકોને મર્યા પછી દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. જે જગ્યા ઉપલબ્ધ છે તેના ભાવ આસમાને પહોંચ્યા છે. આ મોંઘવારીથી બચવા માટે ચીની નાગરિકોએ એક અનોખો રસ્તો શોધ્યો હતો – તેઓ પોતાના સ્વજનોની અસ્થિઓ રાખવા માટે આખા ફ્લેટ ખરીદી રહ્યા હતા. જોકે, હવે ચીન સરકારે આ પ્રથા પર લાલ આંખ કરી છે અને નવા કાયદા દ્વારા રહેણાંક વિસ્તારોમાં અસ્થિઓ રાખવા પર કડક પ્રતિબંધ લાદી દીધો છે. મળતી માહિતી અનુસાર,ચીનમાં 'બોન એશ એપાર્ટમેન્ટ્સ' (Bone Ash Apartments) તરીકે ઓળખાતા આ ખાલી ફ્લેટ્સમાં પરિવારો પોતાના મૃત સંબંધીઓના અસ્થિ કુંભ રાખતા હતા. આ ફ્લેટ્સ બહારથી બંધ બારીઓ અને પડદાઓથી ઢંકાયેલા રહેતા હતા, પરંતુ અંદર ધાર્મિક વિધિઓ અને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવતી હતી.

શા માટે લોકો કબ્રસ્તાનને બદલે ફ્લેટ ખરીદવા પ્રેરાયા?

આ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ આર્થિક ગણિત છે. ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોપર્ટી માર્કેટમાં મોટો ઘટાડો આવ્યો છે. વર્ષ 2021ની સરખામણીએ 2026 સુધીમાં ફ્લેટની કિંમતોમાં 40% જેટલો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ કબ્રસ્તાનમાં એક નાનકડો પ્લોટ લેવો એ સામાન્ય માણસના બજેટની બહાર થઈ ગયું છે. અહીં એક સામાન્ય કબર માટે ચીનમાં 1.5 લાખથી 3 લાખ યુઆન (આશરે 17 થી 35 લાખ રૂપિયા) ખર્ચવા પડે છે.

જે બાદ પણ કબ્રસ્તાનમાં પ્લોટ કાયમી હોતા નથી, તે માત્ર 20 વર્ષની લીઝ પર મળે છે, ત્યારબાદ ફરીથી રિન્યુઅલ ફી ભરવી પડે છે. આ પરિસ્થિતિમાં લોકોને કબ્રસ્તાન કરતા સસ્તો ફ્લેટ ખરીદવો વધુ ફાયદાકારક લાગતો હતો.

આ પણ વાંચો: Iran US War : તેહરાનમાં વિનાશક હવાઈ હુમલા, રહેણાંક ઈમારત તૂટી પડી, 13ના મોત

અંતિમ સંસ્કારનો ખર્ચ સામાન્ય આવક કરતા અડધો

વર્ષ 2020માં કરવામાં આવેલા એક સર્વે મુજબ, ચીનમાં અંતિમ સંસ્કારનો સરેરાશ ખર્ચ દેશની સરેરાશ વાર્ષિક આવકનો લગભગ અડધો ભાગ રોકે છે. ચાંગપિંગ તિયાનશોઉ સેમેટ્રી જેવા પ્રખ્યાત કબ્રસ્તાનોમાં પ્લોટની કિંમત 10,000 યુઆનથી શરૂ થઈને 2 લાખ યુઆન સુધી જાય છે. મોંઘવારીના આ વિષચક્રને કારણે ચીની પરિવારો મજબૂરીમાં રહેણાંક ફ્લેટ્સને 'અસ્થિ-સ્થળ'માં ફેરવી રહ્યા હતા.

સરકારના નવા નિયમો અને સોશિયલ મીડિયા પર વિરોધ

ચીન સરકારના નવા નિયમો મુજબ, હવે કબ્રસ્તાન અથવા માન્ય ઈકોલોજીકલ વિસ્તારોની બહાર અસ્થિઓ રાખવી કે દફનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે ચીનમાં લોકો પોતાના પૂર્વજોને યાદ કરવા માટે પરંપરાગત 'ચિંગમિંગ ફેસ્ટિવલ'ની તૈયારી કરી રહ્યા છે. આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ છેડાઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સરકાર કબ્રસ્તાનના ભાવ પર અંકુશ ન લાવી શકતી હોય, તો લોકો પાસે બીજો કયો વિકલ્પ છે? કેટલાક યુઝર્સે એવો પણ પ્રશ્ન કર્યો છે કે અધિકારીઓ કઈ રીતે નક્કી કરશે કે કોઈ ફ્લેટમાં માણસો રહે છે કે અસ્થિઓ રાખવામાં આવી છે? જોકે, સરકારે દાવો કર્યો છે કે તે અંતિમ સંસ્કારના ખર્ચમાં પારદર્શિતા લાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે પણ નવા પગલાં લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now