ગુજરાત રાજ્યના વ્યક્તિઓને ઉંચા પગારે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોમાં મોકલી માનવ તસ્કરી કરી લાંબા સમય સુધી બંધક બનાવી શારિરીક - માનસિક ત્રાસ આપી લોકો સાથે સાયબર ક્રાઇમના ગુનાઓ કરાવી આર્થિક લાભ મેળવી આંતરરાજય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુના આચરતી ગેંગના સભ્યને સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર દબોચી લીધો છે.
જોબ પ્લેસમેન્ટની લાલચ આપતા!
આરોપી દ્વારા તેના સબ એજન્ટો સાથે મળીને એકસંપ થઈ ગુજરાતના પરત આવેલા 10 થી 12 લોકો તથા ભારત દેશના અન્ય રાજયોના નાગરિકોને વિદેશમાં ઉંચા પગારે ડેટા એન્ટ્રીની જોબ પ્લેસમેન્ટ આપવાની લાલચ આપી દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોની ટીકીટ બુક કરાવી તેઓને બેંગકોક, થાઇલેન્ડ ખાતે બોલાવી ત્યાંથી ભોગ બનનાર જેવા એરપોર્ટ પહોંચે ત્યારે ચીની ગેંગના એજન્ટો મારફતે તેઓના પાસપોર્ટ, મોબાઇલ ફોન, તથા અન્ય દસ્તાવેજો જપ્ત કરી લેતા હતા
શારીરીક તેમજ માનસિક હેરાન-પરેશાન કરતા
આરોપીઓ લોકોને બંધક બનાવી ગેરકાયદેસર રીતે બળપુર્વક મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી માનવ તસ્કરી કરી મ્યાનમારના સરહદી વિસ્તારમાં કે.કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતે લઈ જઈ ગેરકાયદેસર રીતે ચાલતા ચાઇનીઝ હબમાં ફિશીંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, ડેટીંગ એપ દ્વારા છેતરપીંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા મજબુર કરી સાયબર સ્લેવરીનો ભોગ બનાવી તેમજ ભોગ બનનાર સહકાર ન આપે તો તેઓને શારીરીક તેમજ માનસિક હેરાન-પરેશાન કરી ગેરકાયદેસર રીતે લાંબા સમયગાળા સુધી અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબુર કરતા હતાં. જે ગેંગના સભ્ય હિતેષ અરજણ સોમૈયા, પોરબંદરને દબોચી લેવાયો છે.






