Gandhinagar Secretariat News: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં મોડી રાત્રે એક અત્યંત કરૂણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. સચિવાલયના સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ના એક આધેડ વયના જવાને પોતાની ફરજ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સચિવાલયના સુરક્ષા જવાનો અને પોલીસ બેડામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ફરજ દરમિયાન જ બની ઘટના: સાથી જવાન પણ સ્તબ્ધ
મળતી માહિતી મુજબ, 49 વર્ષીય રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ વડોદરા એસઆરપી ગ્રુપ-9 માં ફરજ બજાવતા હતા અને હાલમાં સચિવાલયની સુરક્ષામાં પ્રતિનિયુક્તિ પર હતા. ગઈકાલે રાત્રે બાર વાગ્યે તેમણે પોતાના સાથી કર્મચારી પાસેથી ગેટ નંબર-3 નો ચાર્જ સંભાળ્યો હતો. ફરજ દરમિયાન જ તેઓએ ગેટ નંબર-3ની નજીક આવેલા એક ઝાડનો સહારો લઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે, વહેલી પરોઢિયે જ્યારે તેમના રિલિવર જાગ્યા ત્યારે આ બનાવની જાણ થઈ હતી. રાજેન્દ્રસિંહ મૂળ ભાવનગરના રહેવાસી હતા અને લાંબા સમયથી પોલીસ દળમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા.
આ પણ વાંચો: જય ભીમના નાદથી ગુંજ્યું સુરત! : નાગસેન નગરમાં મહારાષ્ટ્રીયન બેન્ડના તાલે નીકળી ભવ્ય શોભાયાત્રા
પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ
ઘટનાની જાણ થતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી પંચનામું કર્યા બાદ પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. રાજેન્દ્રસિંહ ગોહિલે કયા સંજોગોમાં આ અંતિમ ડગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ તેમના કૌટુંબિક અને વ્યવસાયિક પાસાઓની તપાસ કરી રહી છે.
સચિવાલયની સુરક્ષામાં ખળભળાટ અને પ્રશ્નાર્થો
રાજ્યના મુખ્ય વહીવટી મથક એવા સચિવાલયના મુખ્ય ગેટ પાસે જ બનેલી આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ચાલુ ફરજે જવાનનું આ રીતે આકસ્મિક નિધન થવું તે પોલીસ તંત્ર માટે મોટી ખોટ સમાન છે. અધિકારીઓ હવે એ તપાસી રહ્યા છે કે, શું જવાન કોઈ માનસિક તણાવ કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી પીડાતા હતા કે કેમ. આ ઘટના બાદ સચિવાલયના ગેટ નંબર-3 પાસે લોકટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.





