Ambedkar Jayanti Surat: આજે 14 એપ્રિલ એટલે કે ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી. આ અવસરે સમગ્ર સુરત શહેર જાણે 'જય ભીમ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સુરતના નાગસેન નગર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબેડકર જયંતીની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.
ભક્તિ અને ઉત્સાહનો સંગમ: વાદળી ધજાઓથી શણગારાયું નાગસેન નગર
નાગસેન નગરમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારને વાદળી રંગની ધજા-પતાકાઓ અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
મહારાષ્ટ્રીયન બેન્ડ અને ભીમ ગીતોની રમઝટ
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ મહારાષ્ટ્રથી ખાસ મંગાવવામાં આવેલું ટ્રેડિશનલ બેન્ડ હતું. મહારાષ્ટ્રીયન બેન્ડના ગુંજારવ અને ઢોલ-નગારાના તાલે ભીમ સૈનિકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ભીમ ગીતોની રમઝટ અને બેન્ડના તાલે વાતાવરણમાં એક અલગ જ ઉર્જા ભરી દીધી હતી. નાગસેન નગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ રેલીમાં શિસ્ત અને ઉત્સાહનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ ઉજવણી
ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સ્થાનિક આગેવાનોએ પણ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. નાગસેન નગરની આ ભવ્ય ઉજવણીએ સુરત શહેરમાં બાબાસાહેબના વિચારો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.





