Home Gujarat Rajkot Dwarka Bjp Jagdish Vishwakarma Speech Congress Attack Gujarat

"કોંગ્રેસે વર્ષો સુધી જનતાનું લોહી ચૂસીને ભ્રષ્ટાચારના કિલ્લા ચણ્યા" : દેવભૂમિ દ્વારકામાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ભાજપાની સભામાં જગદીશ વિશ્વકર્મા જનમેદનીને સંબોધન
Published by: Viral Patel
Last Updated: Apr 14, 2026, 12:25 PM IST

Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાટિયા ખાતે જાહેરસભા સંબોધી હતી. 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે પ્રવચનનો પ્રારંભ કરી તેમણે બંધારણના શિલ્પી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આઝાદી પછી વર્ષો સુધી કોંગ્રેસે સંવિધાન અને તેના શિલ્પીઓનો અનાદર કર્યો, જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાથીની અંબાડી પર સંવિધાનની યાત્રા કાઢીને બાબાસાહેબને સાચું સન્માન આપ્યું હતું.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 140 કરોડ નાગરિકો માટે રાતદિવસ કામ કરી રહ્યા છે, દેશની સુરક્ષા વધારવાનું કામ કરી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ સતત ગુજરાતની જનતાની ચિંતા કરે છે, અને ભાજપાના કાર્યકર્તા ઓ સેવા અને સમર્પણના ભાવ સાથે સતત સેવા કરવા પ્રજાની વચ્ચે ટેવાયેલ કાર્યકર્તા છે ત્યારે દ્વારકાધીશના આશીર્વાદથી ભાજપનો વિજયરથ પ્રચંડ જનાદેશ સાથે આગળ વધશે.

વિશ્વકર્માએ વિકાસકાર્યોની વિગતો આપતા જણાવ્યું કે, ભાજપ એક એવી પાર્ટી છે જે કામનો હિસાબ આપે છે, જ્યારે કોંગ્રેસના શાસનમાં માત્ર 'ગુંડા રાજ' અને 'ટેન્કર રાજ' જોવા મળતું હતું. તેમણે ઉમેર્યું કે, આજની નવી પેઢીને કર્ફ્યુ શું છે તેની ખબર નથી, ભાજપે ગુજરાતને કર્ફ્યુમુક્ત, ટેન્કરમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત બનાવ્યું છે. દ્વારકાના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દ્વારકાધીશ કોરિડોર, સુદર્શન બ્રિજ, શિવરાજપુર બીચનો વિકાસ અને મેડિકલ કોલેજની જાહેરાત એ ભાજપની વિકાસની રાજનીતિનું પરિણામ છે. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભાજપ કરે છે, તેનું લોકાર્પણ પણ ભાજપ જ કરે છે.

સરદાર સરોવર ડેમ વિશે બોલતા તેમણે કહ્યું કે, સરદાર સાહેબનું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે. આજે ૭૫,૦૦૦ કિમીના નર્મદા નેટવર્ક અને 'નળ સે જળ' યોજનાથી ઘરે-ઘરે પાણી પહોંચ્યું છે. વિરોધ પક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી સોનાની ચમચી સાથે જન્મ્યા છે અને કોંગ્રેસે વર્ષો સુધી જનતાનું લોહી ચૂસીને ભ્રષ્ટાચારના કિલ્લા ચણ્યા છે, પરંતુ હવે તે કિલ્લાના કાંકરા ખરવા માંડ્યા છે. કોંગ્રેસ પાસે આજે અનેક બેઠકો પર ઉમેદવારો પણ નથી અને જે છે તેમને પણ સંતાડી તિજોરીમાં બંધ કરવા પડ્યા છે.

જિલ્લાની તમામ ૧૬૨ બેઠકો સહિત રાજ્યમાં તમામ જગ્યાએ કમળ ખીલવીને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવા તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી હતી. કોંગ્રેસની જાતિવાદ અને વિવાદની રાજનીતિ સામે પ્રધાનમંત્રી મોદીએ ૧૪૦ કરોડ દેશવાસીઓને વિકાસની રાજનીતિ અને વિશ્વમાં સ્વમાન અપાવ્યું છે અને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે સૌ કાર્યકરોને ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સાથે પ્રજા વચ્ચે જવા આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, પ્રભારી પુનિત શર્મા, ધારાસભ્યઓ જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, ભાજપાના ઉમેદવારો સહિત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now