અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો કેબલ ચોરીના ગુનામાં ઝડપાયેલા મુખ્ય બે આરોપીઓને સાથે રાખી ગાંધીનગર એલસીબી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન રેકી કરનાર આરોપી અને ઝાડ પર ચઢીને કેબલ ચોરી કરનાર મુખ્ય આરોપીએ કયા પ્રકારે કેબલ ચોરી કરી તેનું નિદર્શન પોલીસ અને મીડિયા સમક્ષ કર્યું હતું.
અમદાવાદ અને ગાંધીનગર સહિત વિવિધ રાજ્યમાં મેટ્રોના કેબલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓને ગાંધીનગર પોલીસે cctvના આધારે ઝડપી લીધા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો કેબલની ચોરી થતા મેટ્રો ટ્રેન અચાનક જ અટકી પડી હતી. આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બે શંકાસ્પદ વાહન દેખાયા હતા. આ વાહન માલિકની પૂછપરછ કરતા આરોપીઓની ઓળખ મળી હતી.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે કેબલ ચોરી કરતી ગેંગે કલોલમાં એક મકાન ભાડે રાખ્યું છે અને કેબલ ચોરીનો મુદ્દામાલ મકાનમાં છુપાવેલો છે. બાતમીને આધારે પોલીસે કલોલના મકાન પર દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા ચાર આરોપીઓમાં મુશર્રફ મુલેજાટ, રાશિદ ધોબી, રાશિદ અન્સારી અને ઈર્શાદ મલિકનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસને 4 આરોપીઓ પાસેથી બે કાર અને ચોરી કરેલા કેબલ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં અન્ય સાત આરોપીઓ શામેલ હોવાની આરોપીએ કબુલાત પણ કરી હતી.
આ ઘટનામાં સાત આરોપીઓ વોન્ટેડ છે. ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી બે મુખ્ય આરોપી કે, જેમણે ચોરી કરતા પહેલા મેટ્રો સ્ટેશનની રેકી કરી હતી અને બીજો આરોપી જે રેકી બાદ કોબા મેટ્રો સ્ટેશનના પિલર નંબર 36 પાસેથી ઝાડ પર ચઢીને કેબલ ચોરવા મેટ્રો સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બન્ને આરોપીઓને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કેબલ ચોરી કરનાર આરોપી કયા ઝાડ પરથી તે કેબલ ચોરવા ચઢ્યો હતો તે બતાવ્યું હતું.






