અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગરોમાં નવા સંગઠન હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ તેમજ મંડળ-વોર્ડ પ્રમુખોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા-વિચારણા બાદ આ નિમણૂકોને મંજૂરી આપી છે.
પક્ષ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર જામનગર શહેર, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો અને અમરેલી જિલ્લામાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનને વધુ સશક્ત બનાવવા અને આગામી રાજકીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
જામનગર શહેરમાં ભાવેશભાઈ હરીભાઈ કાનાણીને શહેર મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં વલ્લભભાઈ ગગજીભાઈ આંબલિયાને જિલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લામાં ભૂમિકાબેન અજયભાઈ વીંઝવાડિયાને જિલ્લા મંત્રી અને મહેશભાઈ રમણીલાલ જાનીને જિલ્લા કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડિયાને જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં પણ સંગઠનને મજબૂત બનાવવા માટે નવી નિમણૂકો કરવામાં આવી છે. શાંતિલાલ હરિભાઈ પરમારને અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી, મુકેશભાઇ હરદાસભાઈ બગડાને અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ, રમાબેન ભૂપતભાઈ હીરપરાને મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ તેમજ ભાવનાબેન ભીખુગીરી ગોસ્વામીને મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના સંગઠનાત્મક વિસ્તરણના ભાગરૂપે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓ અને મહાનગરોમાં પણ નવી નિમણૂકો જાહેર થવાની શક્યતા છે.





