મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ગામોમાં ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા-સફાઈ રાખવાનું પ્રેરક આહવાન નવા ચૂંટાયેલા સરપંચો અને ગ્રામ પંચાયત સદસ્યોને કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામ-નગર-શહેરો દરેક સ્થળને સાફ-સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે.
ગામ સ્તરે થશે સ્વચ્છતા-સફાઈની સ્પર્ધા
રાજ્ય સરકાર દરેક ગામની આવી સ્વચ્છતા-સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ 4 રૂપિયાની ફાળવણી કરે છે. હવે, આ રકમ બમણી કરીને વ્યક્તિ દિઠ માસિક 8 રૂપિયા અપાશે. આના પરિણામે ગામોમાં સ્વચ્છતા-સફાઈને વધુ વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચોને ગ્રામસફાઈ પ્રતે પ્રોત્સાહિત કરતાં ઉમેર્યુ કે, રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ-સ્વચ્છતાની સ્પર્ધા થાય તેવું પ્રેરક વાતાવરણ આપણે બનાવવું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્વાચિત સરપંચો-સભ્યોનું સન્માન કર્યું હતું.
761 ગ્રામ પંચાયતો સમરસ થઈ
મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે તેની ભૂમિકા આપતા સ્પષ્ટ પણે જણાવ્યું કે કહ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના પિલ્લર બનવાનું છે. તેમણે ઉમેર્યું કે, ગ્રામ સ્વરાજ્ય માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને વડાપ્રધાનશ્રીએ સરપંચોના હાથમાં ગામના સામુહિક વિકાસની સત્તા સોંપી છે. એટલું જ નહીં, ચૂંટણીઓમાં સમરસતાનો નવો વિચાર પણ તેમણે ગુજરાતમાં આપેલો છે. આ વિચારને અનુસરતા આ વખતની ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં રેકર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેનું મુખ્યમંત્રીએ ગૌરવ કર્યું હતું. આવી સમસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ 35 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી ફાળવવા સાથે સમગ્રતયા રૂ.1236 કરોડની રકમ વિવિધ વિકાસ કામોની ગ્રાન્ટ તરીકે ફાળવણી કરવામાં આવી હતી.
વિકસિત ગામથી વિકસિત ગુજરાત
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસનકાળમાં ગ્રામીણ, અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે. દેશમાં અંદાજે 4 કરોડ ગ્રામીણ ગરીબોને આવાસ, એક દશકમાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં ઇન્ટરનેટ અને સાડા પાંચ લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર્સ ગ્રામીણ નાગરિકોને સરકારી સેવાના લાભ પહોંચાડવા કાર્યરત થયા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારો અને ગામ સાથે મળીને વિકાસ કાર્યોનું પરસ્પર સંયોગથી આયોજન કરે છે. તેમણે વિકસિત ભારત @2047નો વડાપ્રધાનનો સંકલ્પ સાકાર કરવા વિકસિત ગામથી વિકસિત ગુજરાતના નિર્માણમાં સરપંચોની ભૂમિકા મહત્વની બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
‘સુવિધા શહેરની આત્મા ગામડાનો’
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સંકલ્પ ‘સુવિધા શહેરની આત્મા ગામડાનો’ને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં ગુજરાતને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા સતત પ્રયત્નશીલ છે. ગ્રામ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, મનરેગા, ઈ- ગ્રામ વિશ્વ ગ્રામ, જેવી અનેકવિધ લોકકલ્યાણકરી યોજનાઓના સફળ અમલીકારણથી રાજ્યના ગામડાઓ સુવિધાસભર બન્યા છે.





