Home Gujarat Gandhinagar Mla Ritaben Patel Wrote A Letter To The Collector

ગાંધીનગરના MLA રીટાબેન પટેલે કલેક્ટરને લખ્યો પત્ર : ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાડવા કરી માંગ, કહ્યું 'રોજિંદા મુસાફરો માટે જોખમ'

ગાંધીનગરના MLA રીટાબેન પટેલે કલેક્ટરને લખ્યો પત્ર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2026, 03:22 PM IST

ગાંધીનગર શહેર વિસ્તારમાં ભારે વાહનોની વધતી અવરજવર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય રીટાબેન પટેલે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સવારે 6.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ભારે વાહન પર સવારે 6થી 9 સુધી પ્રતિબંધ મુકવા માગ

પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર શહેરમાં ટ્રક, ડમ્પર, ટ્રેલર અને લક્ઝરી બસ જેવા ભારે વાહનોની સતત અવરજવર થવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્કૂલના સમય દરમિયાન તેમજ સવાર-સાંજના ઓફિસ સમયમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.

'રોજિંદા મુસાફરો માટે જોખમ'

શહેરના મુખ્ય માર્ગો, શાળા અને કોલેજ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારોમાં રસ્તાઓ પહોળા હોવાથી ભારે વાહન ચાલકો ઘણીવાર પૂરપાટ ઝડપે વાહન દોડાવતા હોવાનું પણ તેમણે પત્રમાં જણાવ્યું છે. જેના કારણે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરો માટે જોખમ વધે છે.

જાહેર હિતને ધ્યાનમાં રાખીને તેમણે સવારના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી શહેર વિસ્તારમાં ભારે વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડવાની ભલામણ કરી છે. સાથે જ આ નિયમની સખ્તાઈથી અમલવારી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. હવે જિલ્લા પ્રશાસન દ્વારા આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે તે પર સૌની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now