Home Gujarat Gandhinagar Electric Ac Bus Service 153509 Passengers

ગાંધીનગરની AC ઈ-બસ સેવાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ : રોજ 10 હજારથી વધુ લોકો કરી રહ્યા છે સફર

Gandhinagar E-Bus
Published by: Suman Dabhi
Last Updated: Jul 14, 2026, 08:58 AM IST

Gandhinagar E-Bus: ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા શરૂ કરવામાં આવેલી નવી એર-કન્ડિશન્ડ ઈલેક્ટ્રિક બસ સેવાને શહેરના નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 14 દિવસમાં 1,53,509 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. એટલે કે દરરોજ સરેરાશ 10,965થી વધુ લોકો ઈ-બસમાં મુસાફરી કરી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે ગાંધીનગરમાં આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થાને લોકો ઝડપથી સ્વીકારી રહ્યા છે. મહાનગરપાલિકાની આ પહેલ શહેરને ગ્રીન, ક્લીન અને સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસોમાં મહત્વની સાબિત થઈ રહી છે.

દિવસે દિવસે વધી રહ્યો છે મુસાફરોનો વિશ્વાસ

નવી ઈ-બસ સેવા શરૂ થયાના પહેલા દિવસે, એટલે કે 29 જૂન 2026ના રોજ 6,120 મુસાફરો નોંધાયા હતા. પરંતુ આરામદાયક મુસાફરી, એર-કન્ડિશન્ડ સુવિધા અને ઓછા ભાડાના કારણે મુસાફરોની સંખ્યામાં સતત વધારો થયો.

11 જુલાઈ 2026ના રોજ એક જ દિવસમાં 13,615 મુસાફરોએ આ બસ સેવાનો ઉપયોગ કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.

AC અને CCTVથી સજ્જ બસો બની મુસાફરોની પહેલી પસંદ

નવી ઈ-બસોમાં એર-કન્ડિશન્ડ સુવિધા ઉપરાંત આધુનિક CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેના કારણે ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ વધુ સુરક્ષિત અનુભવ કરી રહી છે.

ધમાસણાથી સરગાસણ સુધી રોજ અપ-ડાઉન કરતી મુસાફર નિયતિ ત્રિવેદીએ જણાવ્યું કે ઓછું ભાડું, આરામદાયક સફર અને સુરક્ષિત વાતાવરણને કારણે હવે રોજની મુસાફરી સરળ બની ગઈ છે. વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

ગરમી, ધૂળ અને ટ્રાફિકની સમસ્યાથી મળી રાહત

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જાહેર પરિવહનમાં મુસાફરી કરવી પડકારરૂપ બનતી હતી. પરંતુ સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ ઈ-બસોના કારણે હવે મુસાફરો ઠંડકભરી અને આરામદાયક સફરનો અનુભવ કરી રહ્યા છે.

સાથે જ ધૂળ, ધુમાડા અને ટ્રાફિકના તણાવથી પણ રાહત મળી રહી છે, જેના કારણે દૈનિક મુસાફરી વધુ સરળ બની છે.

ઓછું ભાડું, સામાન્ય નાગરિકોને મોટી રાહત

ખાનગી વાહન અથવા ઓટોરિક્ષામાં દરરોજ મુસાફરી કરવાથી થતો ખર્ચ હવે ઈ-બસ સેવાને કારણે ઘટ્યો છે. મહાનગરપાલિકાએ બસનું ભાડું સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ વ્યાજબી રાખ્યું છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારોને પણ આર્થિક રાહત મળી રહી છે.

મહત્વના વિસ્તારો સાથે સીધી કનેક્ટિવિટી

ઈ-બસ સેવા દ્વારા સરગાસણ સર્કલ, પથિકાશ્રમ બસ ટર્મિનલ અને સચિવાલય સહિતના મુખ્ય વિસ્તારોને કલોલ, કડી, દહેગામ, ચિલોડા અને ચાંદખેડા જેવા શહેરો સાથે જોડવામાં આવ્યા છે.

આ ઉપરાંત IIT ગાંધીનગર અને PDEU જેવા શૈક્ષણિક કેન્દ્રો સુધી સીધી બસ સેવા મળતાં વિદ્યાર્થીઓનો સમય પણ બચી રહ્યો છે અને વારંવાર વાહન બદલવાની જરૂરિયાત ઘટી છે.

15 દિવસની મફત મુસાફરીથી વધ્યો વિશ્વાસ

નાગરિકોને નવી બસ સેવા સાથે પરિચિત કરવા માટે મહાનગરપાલિકાએ શરૂઆતના 15 દિવસ સુધી નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપી હતી. તેનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઘણા લોકોએ પોતાની ખાનગી કાર અને બાઇક ઘરે રાખીને ઈ-બસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું, જેના કારણે ટ્રાફિકનું દબાણ ઘટ્યું છે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળી રહી છે.

ગ્રીન અને સ્માર્ટ ગાંધીનગર તરફ મહત્વનું પગલું

ઈલેક્ટ્રિક બસો માત્ર મુસાફરીને આરામદાયક બનાવતી નથી, પરંતુ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જાહેર પરિવહનનો વધતો ઉપયોગ શહેરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પણ લાભદાયક માનવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ પહેલ નાગરિકોને વધુ સુરક્ષિત, આરામદાયક અને પર્યાવરણમૈત્રી પરિવહન પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો: રાજકોટમાં ટ્રકની અડફેટે બાઈકસવાર યુવકનું મોત : ગાંધીગ્રામ પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી

શહેરના સ્માર્ટ વિકાસનું પ્રતિબિંબ

જાહેર પરિવહનનો વધતો ઉપયોગ કોઈપણ શહેરના સ્માર્ટ વિકાસનું પ્રતિબિંબ માનવામાં આવે છે. ગાંધીનગરમાં ઈ-બસ સેવાને મળેલો પ્રતિસાદ દર્શાવે છે કે લોકો હવે ખાનગી વાહનોને બદલે આધુનિક અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહન અપનાવવા તૈયાર થઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now