આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે હેતુથી ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે આજે કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચની ચકાસણી માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ દરેક ઉમેદવારના ખર્ચની સચોટ દેખરેખ
આ તાલીમ સત્રમાં જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલે અને અધિક નિવાસી કલેક્ટર નિશા શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવી એ અત્યંત જવાબદારીપૂર્વકનું કાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ દરેક ઉમેદવારના ખર્ચની સચોટ દેખરેખ માટે તમામ નિયુક્ત અધિકારીઓ માટેની તાલીમ ફળદાયી રહેશે અને તાલીમ દરમિયાન કોઇ પણ મૂંઝવણ ઉદભવે તો તે વિશે વિસ્તૃત સમજણ મેળવી તેની સ્પષ્ટતા કરવાથી ચૂંટણીની કામગીરી ઉત્તમ રીતે કરી શકાશે.
આ તાલીમમાં વિવિધ સ્તરની ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલી ખર્ચની મર્યાદા અંગે સમજૂતી આપવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા રોકડ અને અન્ય ખર્ચની વિગતો કઈ રીતે નોંધવી તેની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ હતી. સત્તાવાર ખર્ચ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેના તફાવતને ચકાસવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતું તથા આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ખર્ચના નિયમો હેઠળ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.
તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓના પ્રશ્નો અને મૂંઝવણોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સહિત ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






