Home Gujarat Bharat Barad Office Entry Controversy Bhavnagar

ભાવનગર ભાજપમાં ભડકો : પૂર્વ મેયરને કાર્યાલયમાંથી 'ધક્કા મારી' બહાર કઢાયા, પક્ષના આંતરિક ડખ્ખા સપાટી પર

Bharat Bard Office Entry Controversy
Published by: Viral Patel
Last Updated: Apr 10, 2026, 02:18 PM IST

Bharat Bard Office Entry Controversy: ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદની ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે (10 એપ્રિલ) હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં પૂર્વ મેયર ભરત બારડને કથિત રીતે ધક્કા મારી બહાર કાઢવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

ભાજપ કાર્યાલયમાં હંગામો: "પાર્ટી કોઈના બાપની નથી"

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ મેયર ભરત બારડ પોતાની રજૂઆત કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સામે આવેલા વીડિયો મુજબ, જ્યારે તેઓ શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહની ચેમ્બર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર હોદ્દેદારોએ તેમને અટકાવ્યા હતા. મામલો ત્યારે બિચક્યો જ્યારે ત્રણ મહામંત્રીઓએ પૂર્વ મેયરનું બાવડું પકડી તેમને કાર્યાલયની બહાર કાઢી મૂક્યા હતા. આ અપમાનથી લાલચોળ થયેલા ભરત બારડે પાર્કિંગમાં પોતાનું સ્કૂટર શરૂ કરતી વખતે રોષે ભરાઈને કહ્યું હતું કે પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છે. બીજેપી સત્તાના નશામાં ચૂર થઈ ગઈ છે."

આ પણ વાંચો: ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણી 2026 : 13 વોર્ડ માટે ઉમેદવારોની યાદી જાહેર; કોને ક્યાથી મળી ટિકીટ? રાજકીય ગરમાવો તેજ

શહેર ભાજપ પ્રમુખનો બચાવ: વય મર્યાદા અને પ્રોટોકોલનું કારણ

આ ગંભીર ઘટના બાદ શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે પાર્લામેન્ટરી બોર્ડના નિયમ મુજબ 63 વર્ષની વય મર્યાદાને કારણે તેમને ટિકિટ આપવામાં મુશ્કેલી છે, છતાં તેમને 'અપવાદ' ગણી ભલામણ કરવામાં આવી છે. હાલ એડમિનિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી હોવાથી માત્ર અપેક્ષિત હોદ્દેદારોને જ પ્રવેશ અપાય છે. અન્ય કોઈ પૂર્વ મેયરને પણ બોલાવવામાં આવ્યા નથી. કુમાર શાહે ઉમેર્યું કે ભરતભાઈ સિનિયર નેતા છે અને તેમને અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી.

પૂર્વ મેયરના નિવેદનમાં પલટવાર: "હું તો ચા પીને બહાર આવ્યો"

આશ્ચર્યજનક વાત એ છે કે, કેમેરા સામે આક્રોશ વ્યક્ત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ સૂર આલાપ્યો હતો. તેમણે ધક્કા મારવાની વાતને 'અફવા' ગણાવતા કહ્યું કે હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. હું શિસ્તબદ્ધ કાર્યકર છું અને પક્ષ મારા માટે શિરોમાન્ય છે. ટિકિટ માટે અંતિમ નિર્ણય પક્ષનો રહેશે."

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ભાજપની મોટી જાહેરાત : અમદાવાદ મનપા માટે બહાર પાડ્યું લિસ્ટ, જુઓ કયા 'દબંગો' ને મળ્યો ચાન્સ!

વિરોધાભાસ અને ચર્ચાઓ

ભરત બારડ ભલે હવે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે વાતને ટાળી રહ્યા હોય, પરંતુ ઘટનાસ્થળના દ્રશ્યો અને તેમની શરૂઆતની પ્રતિક્રિયા કંઇક અલગ જ વાસ્તવિકતા બતાવી રહી છે. ચૂંટણીના ટાણે પૂર્વ મેયર સ્તરના નેતા સાથે થયેલું આવું વર્તન ભાવનગર ભાજપમાં જૂથવાદના ભણકારા વાગી રહ્યા હોવાનું સૂચવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now